- કંગનાએ રામલીલા મેદાન પરથી તેજસનું પ્રમોશન કર્યું
- જય શ્રી રામ કહીને પોતાનું મહત્ત્વનું સંબોધન કર્યું
- દરેકને થિએટર્સમાં જઈ તેજસ જોવા માટે અપીલ કરી દીધી
દિલ્હીની રામ લીલા સમગ્ર દેશમાં જાણીતી છે. જે વિજયાદશમીના પર્વ પર યોજવામાં આવે છે. આ વખતેની વિજયાદશમી પર બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌતે આ રામલીલામાં ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત આટલા મોટા મંચ પરથી પોતાની નવી ફિલ્મ તેજસનું પ્રમોશન કર્યું હતું. આ પહેલા તેમણે દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ માટે એક સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું. દિલ્હીના રામલીલા મેદાન પરથી તેમણે રાવણ દહન કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત પ્રભુ શ્રીરામની પણ આરતી ઊતારી હતી.
ટ્રેડિશનલ ડ્રેસમાં આવી કંગના
ટ્રેડિશનલ લાલ સાડીમાં કંગના જોવા મળી હતી. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેઓ રામલીલા મેદાન પર પહોંચ્યા હતા. જ્યાં મંચ પરથી તેમણે રાવણ દહનનો કાર્યક્રમ નિહાળ્યો હતો. દિલ્હીમાં કંગનાએ કહ્યું કે, શ્રી રામ છે તો આપણે છીએ. એ નથી તો આપણે નથી. ભારતના સૌથી મોટા હીરો ભગવાન શ્રીરામ છે. એની પહેલા કોઈ હતું નહીં અને હશે પણ નહીં. મારી ફિલ્મ તેજસ ભારતીય વાયુસેના પર આધારિત છે. ભારતીય વાયુસેનાના જીવન પર આધારિત છે. પોતાના ભાષણની શરૂઆત તેમણે જય શ્રી રામ કહીને કરી હતી. આ પહેલા કંગનાએ કહ્યું હતું કે, રાવણદહન કરનારી તે પહેલી મહિલા છે.
27 ઑક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ રહી છે
કંગનાએ એક વીડિયો તથા ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. કંગના હાલમાં પોતાની ફિલ્મ તેજસના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કંગનાનો એક અલગ અવતાર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં તેનો રોલ એક ફાઈટર પાયલટનો છે. એક પાયલટનું જીવન કેવું હોય છે એના પર સમગ્ર ફિલ્મનો આધાર જોવા મળી રહ્યો છે. સમગ્ર ફિલ્મ સર્વેશ મેવારાએ બનાવી છે.









