જ્યારે બોલિવૂડ એક્ટર શેખર સુમનને એક ઈવેન્ટમાં કંગના સાથેના ગેરવર્તણૂક વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેની સખત નિંદા કરી હતી. શેખર સુમને કહ્યું હતું કે, આ ખૂબ જ ખોટું અને દુર્ભાગ્યપૂર્ણ છે. આવું કોઈની સાથે ન થવું જોઈએ. આ ગેરકાયદેસર છે, તેઓએ (મહિલા સૈનિકો) જે કર્યું છે તેની સજા મળવી જોઈએ.
શેખરે આગળ કહ્યું હતું કે, હું સમજી શકું છું કે તેના દિલમાં થોડો વિરોધ કે નારાજગી હતી. પરંતુ તેને વ્યક્ત કરવાની રીત ખૂબ જ ખોટી હતી. તમે ગુસ્સામાં પણ આગળ આવીને વાત કરી શકો છો. આ રીતે કોઈના પર હાથ ઉપાડવો યોગ્ય નથી.
અધ્યયન સુમનનું મોટું નિવેદન
જ્યારે કેટલાક સેલેબ્સ કંગના રનૌતના સમર્થનમાં બોલતા જોવા મળે છે, તો કેટલાક CISF મહિલા કોન્સ્ટેબલની કાર્યવાહીને યોગ્ય ઠેરવી રહ્યા છે. હવે કંગના રનૌત સાથે કામ કરી ચૂકેલા એક્ટર અધ્યયન સુમન અને તેના પિતા શેખર સુમને આ મામલે પોતાનો મત રજૂ કર્યો છે. અધ્યયન સુમને કહ્યું હતું કે, હું તો એટલું જ કહીશ કે જો તમારા મનમાં કંઈ હોય તો તેને વ્યક્તિગત રીતે લેવું જોઈએ જાહેરમાં નહીં. જાહેરમાં આ પ્રકારનું કામ કરવું બિલકુલ ખોટું છે.
અનુપમ ખેરે કહ્યું-કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ
તે જ સમયે, અભિનેતા અનુપમ ખેરે પણ આ સમગ્ર મામલાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. અભિનેતાએ કહ્યું હતું કે, મને ખૂબ દુ:ખ થયું. પોતાના પદનો ગેરલાભ ઉઠાવીને અન્ય મહિલાએ મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે તદ્દન ખોટું છે. આ અંગે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
અનુપમ ખેરે આગળ કહ્યું- જો તેમને કોઈ નારાજગી હતી તો પણ તેમણે પોતાના પદનો ફાયદો ઉઠાવીને આ બધું ન કરવું જોઈતું હતું. જો ભૂતકાળની કોઈ વાતે તમને દુઃખ પહોંચાડ્યું હોય, તો તેને કહેવાની ઘણી જુદી જુદી રીતો છે, પરંતુ જે થયું તે ખૂબ જ દુઃખદ છે. હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે કંગના હવે સાંસદ કે અભિનેત્રી છે, પરંતુ કંગના પણ એક મહિલા છે. મહિલા કે કોઈની સામે આ પ્રકારની હિંસા સ્વીકારી શકાય નહીં. આ ખોટું છે.
કંગના સાથેની હિંસા પર શબાના આઝમીએ શું કહ્યું?
શબાના આઝમીએ પણ કંગના રનૌત સાથે એરપોર્ટ પર થયેલી હિંસા પર પ્રતિક્રિયા આપી છે. તેણી કહે છે કે તે થપ્પડ મારવાની ઘટનાની ઉજવણી કરી શકતી નથી. શબાના આઝમીએ એ પણ ભારપૂર્વક કહ્યું કે જો સુરક્ષાકર્મીઓ કાયદો પોતાના હાથમાં લેવાનું શરૂ કરશે તો આપણામાંથી કોઈ સુરક્ષિત નહીં રહે.
નાના પાટેકરે દુઃખ વ્યક્ત કર્યું
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કંગના રનૌત સાથે થપ્પડ મારવાની ઘટના પર કહ્યું હતું કે, આ ઘણું ખોટું છે. એવું ન થવું જોઈએ.
ટીવી અભિનેત્રી શિવાંગી જોશીએ પ્રતિક્રિયા આપી
ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીએ પણ કંગના રનૌત સાથેના ખરાબ વર્તનને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું હતું. એક ઈવેન્ટમાં જ્યારે શિવાંગીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, મેં તેની સાથે જે કંઈ થયું તે સાંભળ્યું, વાંચ્યું અને વીડિયો પણ જોયા. મને લાગે છે કે આ ખૂબ જ ખોટું થયું છે. આ મારા માટે એકદમ આઘાતજનક હતું. આ ખૂબ જ બિનવ્યાવસાયિક છે. હિંસા સ્વીકારી શકાય નહીં.
શું છે સમગ્ર મામલો?
જ્યારે કંગના રનૌત સાંસદ બન્યા પછી દિલ્હી જવા રવાના થઈ ત્યારે CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે ચંદીગઢ એરપોર્ટ પર તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને પછી અભિનેત્રીને થપ્પડ મારી દીધી હતી. કુલવિંદર કૌર 35 વર્ષની છે. તે છેલ્લા 15 વર્ષથી CISFમાં કામ કરી રહ્યી છે. થપ્પડના કેસમાં આરોપી મહિલા કાર્યકર કુલવિંદર કૌરનું કહેવું છે કે તે ખેડૂત આંદોલનકારીઓ વિરુદ્ધ કંગનાના જૂના નિવેદનથી ગુસ્સે છે.
કંગનાને થપ્પડ મારવા બદલ મહિલા કર્મચારી કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ મામલામાં સીઆઈએસએફની ફરિયાદના આધારે સંબંધિત પોલીસ સ્ટેશને આરોપી મહિલા સૈનિક વિરુદ્ધ આઈપીસીની કલમ 323 અને કલમ 341 હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.