મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના અત્યાર સુધીના તમામ એપિસોડમાં ભાગ લેનારા તમામ લોકો સામે FIR દાખલ કરી છે. આ સાથે, સાયબર સેલે 42 લોકોને પૂછપરછ માટે સમન્સ પણ મોકલ્યા છે.
પૂછપરછ માટે જેમને સમન્સ પાઠવવામાં આવ્યા છે તેમાં શો સાથે સંકળાયેલા કલાકારો, મેકર્સ અને ઈન્ફ્લુઅન્સરનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર સાયબર સેલના ઈન્સ્પેક્ટર જનરલ યશસ્વી યાદવે સોમવારે જણાવ્યું હતું કે એજન્સીએ શો સાથે સંબંધિત તમામ 42 લોકોને સમન્સ મોકલ્યા છે. તેમને કહ્યું કે “અધિકારીઓએ તપાસમાં સામેલ તમામ વીડિયો દૂર કરવાનો આદેશ આપ્યો છે અને એમ પણ કહ્યું છે કે તપાસ ચાલુ હોય ત્યાં સુધી શોનું એકાઉન્ટ બંધ કરી દેવું જોઈએ. શરૂઆતમાં સાયબર અધિકારીઓએ વિવાદાસ્પદ એપિસોડ દૂર કર્યો હતો, પરંતુ બાદમાં સમય રૈનાને કેસ સાથે સંબંધિત તમામ વીડિયો દૂર કરવા કહેવામાં આવ્યું હતું.
અનેક લોકોના નોંધાયા નિવેદનો
ઈન્સ્પેક્ટર જનરલ યશસ્વી યાદવે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ, સમય રૈના, અપૂર્વ માખીજા અને રણવીર અલ્હાબાદિયા આ કેસમાં આરોપી છે. તેમને કહ્યું કે દેવેશ દીક્ષિત, રઘુ રામ અને અન્ય એક વ્યક્તિના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
સમય રૈનાને મોટો ઝટકો
આ કેસમાં, મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈનાને 18 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યો છે. હાલમાં તે ભારતની બહાર હોવાથી તેને સાયબર સેલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછમાં ભાગ લેવાની મંજૂરી આપવા અપીલ કરી હતી. પરંતુ સાયબર સેલે સમય અંગેની આ અપીલને ફગાવી દીધી અને કહ્યું કે તેમને પોતાનું નિવેદન નોંધાવવા માટે રૂબરૂ હાજર રહેવું પડશે.
વિવાદ શું છે?
ગયા અઠવાડિયે, સ્ટેન્ડ-અપ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાનો શો વિવાદમાં આવ્યો જ્યારે યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાનું એક આપત્તિજનક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું. રણવીરના તેના માતા-પિતા વિશેના નિવેદનથી બધા ચોંકી ગયા અને લોકોએ ઘણો ગુસ્સો વ્યક્ત કર્યો. જ્યારે મામલો વધુ વકર્યો ત્યારે ઘણી જગ્યાએ પોલીસમાં ફરિયાદો નોંધાઈ. આ મામલે મહારાષ્ટ્ર અને આસામમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે.