- મનોજ કુમારે બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું
- મનોજ કુમારનો જન્મ પાકિસ્તાનના એબોટાબાદ શહેરમાં થયો
- મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી છે
બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ 1937ના રોજ પાકિસ્તાનના એબોટાબાદ શહેરમાં થયો હતો. દેશના ભાગલા બાદ મનોજ કુમારનો પરિવાર ભારત આવ્યો બાદમાં મનોજ કુમારે બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને ઘણું નામ કમાવ્યું હતું.
મનોજ કુમારે ઘણી દેશભક્તિની ફિલ્મોમાં કામ કર્યું અને ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું. આ કારણે તેમને 'ભારત કુમાર' નામ પણ મળ્યું હતું. આજે મનોજ કુમારના જન્મદિવસના અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ જે કદાચ તમે પહેલાથી જ નહીં જાણતા હોવ.
મનોજ કુમારનું સાચું નામ બહુ ઓછા લોકો જાણે છે. મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી છે. એવું કહેવાય છે કે પીઢ અભિનેતા દિલીપ કુમારના કારણે મનોજે પોતાનું નામ બદલીને બાદલ રાખ્યું હતું. હકીકતમાં દિલીપ કુમારની 1949માં આવેલી ફિલ્મ 'શબનમ'માં તેમના પાત્રનું નામ 'મનોજ કુમાર' હતું. આ પછી મનોજ કુમારે આ જ નામ રાખવાનો નિર્ણય કર્યો હતો.
20 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું
મનોજ કુમારે બાળપણમાં જ એક્ટર બનવાનું નક્કી કરી લીધું હતું. માત્ર 20 વર્ષની ઉંમરે તેણે ફિલ્મ 'ફેશન'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 1957માં રિલીઝ થઈ હતી. જોકે, અભિનેતાને 1965માં આવેલી ફિલ્મ 'શહીદ'થી મોટી અને ખાસ ઓળખ મળી હતી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આ ફિલ્મમાં તેમણે શહીદ ભગત સિંહની ભૂમિકા ભજવી હતી.
મનોજ કુમારની શાનદાર ફિલ્મો
મનોજ કુમારે પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તેમની ઘણી ફિલ્મો સુપરહિટ રહી હતી. તેણે ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ચાહકોનું દિલ પણ જીતી લીધું હતું. શહીદ સિવાય મનોજની શાનદાર ફિલ્મોમાં 'નીલ કમલ', 'હરિયાલી ઔર રાસ્તા', 'વો કૌન થી', 'હિમાલય કી ગોદ મેં', 'પત્થર કે સનમ', 'ઉપકાર', 'ગુમનામ', 'રોટી કપડા ઓર મકાન'નો સમાવેશ થાય છે.
લાલ બહાદુર શાસ્ત્રી પણ મનોજ કુમારના ચાહક હતા
દેશના પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રી પણ મનોજ કુમારના ફેન હતા. શાસ્ત્રીજીના આગ્રહ પર મનોજ કુમારે વર્ષ 1967માં ફિલ્મ 'ઉપકાર' બનાવી હતી. આ ફિલ્મ લાલ બહાદુર શાસ્ત્રીના નારા 'જય જવાન જય કિસાન' પર આધારિત હતી.
યુવતીએ ઠપકો આપ્યા બાદ સિગારેટ છોડી દીધી
મનોજ કુમાર એકવાર એક રેસ્ટોરન્ટમાં ભોજન લેવા ગયા હતા. ત્યારબાદ તેમને એક યુવતીએ ઠપકો આપ્યો હતો. અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'ઘણા વર્ષો પહેલા હું મારા પરિવાર સાથે એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયો હતો તે સમયે મને સિગારેટનો શોખ હતો. સિગારેટ પીતો હતો ત્યારે એક યુવતી આવીને મને ઠપકો આપ્યો હતો કે, 'યુ ઈન્ડિયા તમે સિગારેટ પીઓ છો, તમને શરમ નથી આવતી? આ પછી મનોજ કુમારે પબ્લિક પ્લેસ પર સિગારેટ ન પીવાનો નિર્ણય લીધો હતો.