- મિયાએ ટ્વીટનાં કારણે કેનેડિયન બ્રોડકાસ્ટર સાથેની ડીલ ગુમાવી
- ટ્વીટમાં મિયાએ હમાસનાં ઈઝરાયેલ પરનાં હુમલાને કર્યુ હતું સમર્થન
- ડીલ ગુમાવતાં મિયાએ પોતાની જાત પર ગુસ્સો વ્યક્ત કર્યો
ઈઝરાયેલ-હમાસ યુદ્ધે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. હમાસના આતંકવાદીઓએ આ યુદ્ધ શરૂ કર્યું છે. ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને લઈને વિશ્વભરના લોકોના પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. દુનિયાભરમાં એવી ઘણી હસ્તીઓ છે જેઓ આ મુદ્દે ઈઝરાયેલનું સમર્થન કરે છે, જ્યારે કેટલાક એવા લોકો છે જે હમાસના સમર્થનમાં બોલી રહ્યા છે. અભિનેત્રી મિયા ખલીફા ઇઝરાયેલ-હમાસ લડાઈમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ મામલે એક ટ્વીટ પોસ્ટ કરવાને કારણે તેણે પોતાની બિઝનેસ ડીલ ગુમાવવાનો વારો આવ્યો છે.
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ પર મિયાનું ટ્વીટ
તાજેતરમાં મિયા ખલિફાએ તેના X એકાઉન્ટ પર ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કરીને આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપ્યું હતું. તેણે પોતાની પોસ્ટ પર લખ્યું હતું કે 'જો તમે પેલેસ્ટાઈનની સ્થિતિ જોઈ શકો છો અને પેલેસ્ટાઈનની તરફેણમાં નથી તો તમે રંગભેદનાં અયોગ્ય પક્ષમાં છો અને સમય આવતા ઈતિહાસ આ બતાવશે.' આ પહેલા પણ મિયા ખલીફા તેના X એકાઉન્ટ પર સતત ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને હમાસની તરફેણમાં પોસ્ટ કરતી રહી છે.
ટોડ શાપિરોએ ડીલ કરી રદ
મિયા ટૂંક સમયમાં કેનેડિયન બ્રોડકાસ્ટર ટોડ શાપિરો સાથે બિઝનેસ ડીલ કરવા જઈ રહી હતી. આ ડીલ ટોડ શાપિરો દ્વારા રદ કરી દેવામાં આવી છે. ડીલ કેન્સલ કરતાં ટોડ શાપિરોએ પોતાના એક્સના એકાઉન્ટ પર લખ્યું, 'આ એક ભયંકર ટ્વિટ છે મિયા ખલીફા. ધ્યાનમાં લો કે તાત્કાલિક અસરથી તમારી સાથેની ડીલ રદ કરવામાં આવી છે. આ એકદમ ઘૃણાસ્પદ છે. મહેરબાની કરીને વધુ સારા વ્યક્તિ બનો. તમે હત્યા, દુષ્કર્મ અને અપહરણની અવગણના કરી રહ્યા છો તે હકીકત ખરેખર ઘૃણાજનક છે. કોઈ શબ્દો તમારી અજ્ઞાનતાને દૂર કરી શકે તેમ નથી.
પોતાની જાત પર મિયા થઈ ગુસ્સે
મિયા ખલીફાએ ટોડ શાપિરોની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં લખ્યું કે 'મેં પેલેસ્ટાઈનને સમર્થન આપીને વ્યવસાયની તકો ગુમાવી છે, પરંતુ મને મારી જાત પર ગુસ્સો આવી રહ્યો છે કે મેં ડીલ કરતા પહેલા તપાસ ન કરી કે હું યહુદી સમર્થકો સાથે બિઝનેસ કરવા જઈ રહી છું'.
હમાસે કરી હુમલાની શરૂઆત
તમને જણાવી દઈએ કે આતંકવાદી સંગઠન હમાસે અચાનક હજારો રોકેટ વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જવાબમાં, ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના લક્ષ્યો પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 687 લોકો માર્યા ગયા છે.