મનોરંજન ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા મુકુલ દેવનું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું છે. અભિનેતાએ 54 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતાના મૃત્યુના સમાચાર મળતા જ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મુકુલ ઘણા દિવસોથી બીમાર હતા
મુકુલ દેવ સાથે ફિલ્મ 'સન ઓફ સરદાર'માં કામ કરનાર અભિનેતા વિંદુ દારા સિંહે અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. વિંદુ દારા સિંહે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે મુકુલ હવે પોતાને મોટા પડદા પર જોઈ શકશે નહીં.
તેમણે આગળ કહ્યું હતું કે, માતા-પિતાના મૃત્યુ બાદ મુકુલ પોતાને લોકોથી અલગ કરી રહ્યો હતો. તે ઘરની બહાર પણ નીકળતો ન હતો અને કોઈને મળતો પણ ન હતો. મુકુલ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે એક અદ્ભુત વ્યક્તિ હતા અને બધા તેમની ખોટ વર્તાશે.
1996માં ટીવી શોથી શરૂઆત કરી
મુકુલ દેવનો જન્મ 17 સપ્ટેમ્બર 1996ના રોજ નવી દિલ્હીમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમણે 1996માં ટીવી સીરિયલ 'મુમકીન'થી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. બાદમાં ટીવી ઉપરાંત તેમણે હિન્દી તેમજ પંજાબી, બંગાળી, મલયાલમ, કન્નડ અને તેલુગુમાં 60 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
છેલ્લે 2022માં સ્ક્રીન પર જોવા મળ્યા
તેઓ છેલ્લે 2022 માં ફિલ્મ 'એન્ટ ધ એન્ડ' માં મોટા પડદા પર જોવા મળ્યા હતા. ટીવી પર તેઓ 2018ની સીરિયલ '21 સરફરોશ'માં ગુલ બાદશાહની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે 2020માં તે OTT પર વેબ સિરીઝ 'સ્ટેટ ઓફ સીઝ: 26/11' માં જોવા મળ્યા હતા.