- બિગ બોસ 17'ના વિજેતા મુનવ્વર ફારૂકીની મુંબઈ પોલીસે કરી અટકાયત
- મુનવ્વર ફારૂકી હુક્કા પાર્લરમાં ગેરકાયદેસર પદાર્થનું સેવન કરતો ઝડપાયો
- મુંબઈ પોલીસે મુનવ્વર સહિત કુલ 14 લોકોની કરી અટકાયત
'બિગ બોસ'ના વિજેતા મુનવ્વર ફારુકીનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. એક પછી એક નવા કેસોમાં તેનું નામ સામે આવતું રહે છે. ક્યારેક તે વિવાદાસ્પદ ટીપ્પણીઓને કારણે તો ક્યારેક પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવે છે. આ વખતે તેના પર ગંભીર આરોપો લાગ્યા છે અને મુંબઈ પોલીસે તેની સામે મોટી કાર્યવાહી કરી છે. 'બિગ બોસ 17'ના વિજેતા મુનવ્વર ફારૂકીની મુંબઈ પોલીસે અટકાયત કરી છે. મુનવ્વર ફારૂકી મુંબઈના એક હુક્કા પાર્લરમાં ગેરકાયદેસર પદાર્થનું સેવન કરતા ઝડપાયો છે. દક્ષિણ મુંબઈના હુક્કા પાર્લરમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
મુંબઈ પોલીસે દરોડો પાડ્યો
ગત મંગળવારે મોડી રાત્રે મુંબઈ પોલીસની એસએસ શાખા (સામાજિક સેવા શાખા) એ એક હોટલ પર દરોડો પાડ્યો જેમાં હુક્કાબાર પણ હતો જ્યાં 'બિગ બોસ 17' વિજેતા મુનવ્વર ફારૂકી સહિત કુલ 14 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે તે જામીનપાત્ર ગુનો હતો પોલીસે નોટિસ આપી અને મુનવ્વર ફારુકીને જવા દીધો હતો. હાલ એમઆરએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રમાં હુક્કા પાર્લર પર પ્રતિબંધ
હકીકતમાં ગઈકાલે રાત્રે પોલીસે મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી સબલાન હોટલમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમાં તમાકુ, ગુટકા અને હુક્કા સાથે સંબંધિત ઉત્પાદનો મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હુક્કા પાર્લરો પર પ્રતિબંધ છે પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ હુક્કા પાર્લર ધમધમે છે. પોલીસને બાતમી મળી હતી કે હોટલમાં તમાકુની બનાવટો સાથેનું હુક્કા પાર્લર ચાલતું હતું.
મુનવ્વરનું વિવાદો સાથે જોડાણ
હાલમાં જ મુનવ્વર ફારૂકીએ 'બિગ બોસ 17'ના વિજેતાનો ખિતાબ જીત્યો હતો. મુનવ્વર ફારૂકી લાંબા સમયથી વિવાદોમાં છે. તેણે સ્ટેન્ડ અપ કોમેડી દરમિયાન માતા સીતા વિશે વિવાદાસ્પદ ટીપ્પણી પણ કરી હતી જે બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને જેલ પણ જવું પડ્યું હતું. આ પછી તેનું અંગત જીવન લાઈમલાઈટમાં આવ્યું અને શો 'લોકઅપ'માં અંજલિ અરોરા સાથે લવ એંગલ બનાવ્યા પછી એ વાત સામે આવી કે તેને પત્ની અને એક બાળક પણ છે. 'બિગ બોસ'માં આવ્યા બાદ બીજો ખુલાસો થયો કે મુનવ્વર એક સાથે 3 છોકરીઓને ડેટ કરી રહ્યો હતો અને તેમાંથી બેને લગ્નનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો. તેણે પોતે પણ આ વાત સ્વીકારી હતી. 'બિગ બોસ 17' પહેલા મુનવ્વરે 'લોકઅપ' પણ જીતી હતી જે કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી.