• આજે નીતૂ કપૂરનો 66મો જન્મ દિવસ
  • આલિયા ભટ્ટે તસવીર કરી શેર
  • એક ખાસ મેસેજ સાથે પાઠવી શુભકામના

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક નીતુ કપૂરનો આજે 66મો બર્થડે છે. ચાહકો, પરિવારજનો તથા શુભચિંતકો ખોબલેને ખોબલે તેમને જન્મ દિવસની શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે વહુ આલિયા ભટ્ટે સાસુના જન્મદિવસની કંઇક ખાસ રીતે જ શુભકામના પાઠવી, આવો જાણીએ શું કહ્યું આલિયાએ.

આલિયાએ સાસુ પર વરસાવ્યો પ્રેમ

આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં નીતુ કપૂર સાથે સોની રાઝદાન પણ જોવા મળી રહી છે. બંને સફેદ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. સોફા પર બેઠેલી નીતુ કપૂર હાથમાં સળગતી મીણબત્તી સાથે પોઝ આપતી જોવા મળે છે. આ સુંદર તસવીર શેર કરતી વખતે આલિયાએ કેપ્શનમાં લખ્યું છે - 'હેપ્પી બર્થ ડે મમ્મી. મારી શક્તિ, શાંતિ અને ફેશનનો આધારસ્તંભ. તમને અઢળક પ્રેમ.

સ્વિત્ઝર્લેન્ડમાં ઉજવી રહ્યા છે જન્મદિવસ

આલિયાની આ પોસ્ટ ટ્રેન્ડમાં રહી છે. ઉલ્લેખનીય છે કે નીતુ કપૂર દીકરી રિદ્ધિમા કપૂર, જમાઈ અને પૌત્રી સમારા સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં નીતુ કપૂર અડધી રાત્રે પોતાના જન્મદિવસની કેક કાપતી જોવા મળી હતી.


નીતુ કપૂરની ફિલ્મો

નીતુ કપૂરની ફિલ્મી કરિયર વિશે વાત કરીએ તો તેમણે ફિલ્મોની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. નીતુએ 1972માં આવેલી ફિલ્મ 'રિક્ષાવાલા'થી અભિનેત્રી તરીકે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ તેને ઓળખ અને લોકપ્રિયતા 1973માં આવેલી ફિલ્મ 'યાદો કી બારાત'થી મળી હતી. 1975માં તે પહેલીવાર ઋષિ કપૂર સાથે ફિલ્મ 'ખેલ ખેલ મેં'માં જોવા મળી હતી. આ પછી નીતુ અને ઋષિ કપૂરે લગભગ 11 ફિલ્મોમાં સાથે કામ કર્યું. જેમાં 'રફુ ચક્કર', 'દૂસરા આદમી', 'કભી કભી', 'અમર અકબર એન્થની' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ચાહકોએ આ જોડીને ખૂબ પસંદ કરી હતી અને ફિલ્મોમાં તેમની અદભૂત કેમેસ્ટ્રી જોઈને લોકો તેના દિવાના થઈ ગયા હતા.


  • Follow us on: