દૂરદર્શનએ 80s અને 90sની એવી યાદો આપી છે, જેને ક્યારેય ભૂલી શકાય નહીં. દૂરદર્શન પર ઘણી હિટ સિરિયલ આવી, જે પછી કલ્ટ ક્લાસિક બની ગઈ અને આજે પણ તેની સરખામણી કોઈ સિરિયલ સાથે કરી શકાતી નથી. 80sમાં પણ એક એવી જ સુપરહિટ સિરિયલ આવી હતી. રામાયણ અને મહાભારત જેવી હિટ સિરિયલની સાથે આ જ સમયગાળામાં એક બીજી સિરિયલ આવી હતી, જેને IMDb પર 9.4 રેટિંગ મળ્યું છે. આ સિરિયલે શરૂઆતથી જ ઘર-ઘરમાં લોકપ્રિયતા મેળવી લીધી હતી.

3 વર્ષ સુધી ચાલી હતી સિરિયલ

આ સિરિયલ એક નવલકથા પર આધારિત હતી. તેમાં કુલ 35 એપિસોડ હતા અને દરેક સીઝનમાં 13 એપિસોડ રજૂ કરવામાં આવતા હતા. દરેક એપિસોડમાં એક અલગ સ્ટોરી બતાવવામાં આવતી હતી. આ સિરિયલ તે સમયે બાળકોમાં પણ ખૂબ લોકપ્રિય બની ગઈ હતી. સિરિયલનું નામ માલગુડી ડેઝ હતું.

જાણીતી નવલકથા પરથી તૈયાર થઈ હતી કહાણી

1986માં શરૂ થયેલી માલગુડી ડેઝ આર.કે. નારાયણની 1943માં પ્રકાશિત થયેલી આ જ નામની ટૂંકી કહાણીઓના સંગ્રહ પર આધારિત હતી. આ સિરિયલ 3 વર્ષ સુધી ચાલી હતી અને તેના કુલ 35 એપિસોડ રજૂ થયા હતા. સિરિયલમાં વિચિત્ર જ્યોતિષીઓ સાથેની મુલાકાતથી લઈને નૈતિક મૂંઝવણ, ગેરસમજ અને અંગત મુશ્કેલીઓનો સામનો કરતા ગામના લોકોની અલગ-અલગ સ્ટોરીઓ બતાવવામાં આવી હતી. શંકર નાગે આ સિરિયલનું દિગ્દર્શન કર્યું હતું.
Doordarshan iconic serial (1)

સિરિયલનું ટાઇટલ ટ્રેક પણ હિટ થયું હતું

સિરિયલનું સંગીત ખૂબ જ સુંદર હતું, જેને એલ. વૈદ્યનાથને તૈયાર કર્યું હતું. માલગુડી ડેઝનું ટાઇટલ ટ્રેક તાના ના ના દર્શકોને ખૂબ ગમ્યું હતું. આ ગીત એલ. વૈદ્યનાથન અને વાણી જયરામે ગાયું હતું.

સિરિયલના નામ પરથી રાખવામાં આવ્યું રેલવે સ્ટેશનનું નામ

આ સિરિયલ સાથે જોડાયેલી એક બીજી ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેના નામ પરથી એક રેલવે સ્ટેશનનું નામ રાખવામાં આવ્યું છે. સિરિયલનું શૂટિંગ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં થયું હતું. સિરિયલ ખૂબ હિટ થયા પછી તેને યાદગાર બનાવવા માટે ભારતીય રેલવેએ શિવમોગામાં આવેલા અરાસલુ રેલવે સ્ટેશનનું નામ બદલીને માલગુડી રેલવે સ્ટેશન રાખ્યું હતું.

આ પણ વાંચો-Classic Cinema : 45 વર્ષ જૂની ફિલ્મ અને 3 નેશનલ એવોર્ડ! લીડ એક્ટ્રેસે શાનદાર એક્ટિંગથી રચ્યો હતો ઈતિહાસ!