અભિનેત્રી નીના ગુપ્તા બોલીવુડમાં પોતાની બેબાક અને સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. નીના ગુપ્તાએ નાટક, ટીવીથી લઈને ફિલ્મો તેમજ વેબ સિરિઝમાં કામ કર્યું છે. અભિનેત્રીએ બીજા લગ્ન કર્યા બાદ અનેક બાબતે ટ્રોલ થાય છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે અંગત જીવનમાં દખલગીરી કરતા સંબંધીઓ અને સોશિયલ મીડિયા પર બોડી-શેમિંગ કરતા ટ્રોલર્સ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.

ટ્રોલર્સની અભિનેત્રી નીના ગુપ્તાને ફટકાર

આ ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે કયારેક તમારા પોતાના જ લોકો તમને શરમમાં મૂકી દે છે. કયારેક તમારા પોતાના લોકો લગ્ન અને બાળકોને લઈને બિનજરૂરી સવાલો કરતા હોય છે. આવા બિનજરૂરી પ્રશ્નો અંગે તેમણે જણાવ્યું કે તેઓ આવા લોકોને સણસણતો જવાબ આપે છે કે, "હું તમારા પિતાનું ભોજન ખાતી નથી, તો તમને શું તકલીફ છે?" તેમનું માનવું છે કે કોઈના પણ અંગત જીવનમાં વગર કારણે દખલગીરી કરવાનો અધિકાર કોઈની પાસે નથી.

ગર્ભાવસ્થાની અફવા અને નવો વળતો પ્રહાર

પોતાના વજન અને શારીરિક દેખાવ પર થતી ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા નીના ગુપ્તાએ એક કિસ્સો શેર કર્યો હતો. એકવાર સાડીનું ફેબ્રિક કમર પાસે થોડું વધુ ભેગું થઈ જતાં લોકોએ તેમને ૬૦ વર્ષની ઉંમરે ગર્ભવતી હોવાનું કહીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. આ વાતનો રમુજી અને કડક જવાબ આપતાં તેમણે પોતાની ટીમને અફવા ફેલાવનારાઓને 'હા, હું ગર્ભવતી છું' એવો જવાબ આપવા કહ્યું હતું. તેમણે બોડી-શેમિંગનો ભોગ બનતી દરેક વ્યક્તિને સલાહ આપી કે આવા લોકો સામે મૌન રહેવાને બદલે તેમને આ જ પ્રકારે વળતો પ્રહાર કરીને ચૂપ કરી દેવા જોઈએ.

આગામી કોમેડી-ડ્રામા વેબ સિરીઝ ‘ચુંબક’

અભિનેત્રી ટૂંક સમયમાં જ આગામી કોમેડી-ડ્રામા વેબ સિરીઝ ‘ચુંબક’માં જોવા મળશે. આ સિરીઝ શહેરી વિસ્તારમાં રહેતા પાંચ પરિવારોની રસપ્રદ વાર્તા પર આધારિત છે. આતિશ કાપડિયા દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ શોનું નિર્માણ 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' અને 'ખીચડી' ફેમ હેટ્સ ઓફ પ્રોડક્શન્સ (જમનાદાસ મજેઠિયા અને આતિશ કાપડિયા) દ્વારા કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં નીના ગુપ્તા ઉપરાંત દેવેન ભોજાની, અર્જુન બિજલાણી, હેલી શાહ, સુમિત વ્યાસ અને માનસી પારેખ જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.


આ પણ વાંચો : Parvati Song : રિલીઝ થતાં જ થયું વાયરલ! હનુમાન અંશનું પાર્વતી સોંગ કેમ બની ગયું ટ્રેન્ડિંગ?