હાલમાં, જ મુંબઈ એરપોર્ટ પર બચ્ચન પરિવારની ઝલક જોવા મળી, જ્યાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને તેમની દીકરી આરાધ્યા એકસાથે બહાર આવતા જોવા મળ્યા. આ દરમિયાન 14 વર્ષની આરાધ્યા બચ્ચનના એક નાના હાવભાવએ સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું. ભારે સુરક્ષા અને કેમેરાની ભીડ વચ્ચે બહાર નીકળતાં જ આરાધ્યાએ સ્મિત સાથે હાથ જોડીને પાપારાઝીનું અભિવાદન કર્યું. તેની આ સાદગીભરી સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેના સંસ્કારના દિલથી વખાણ કરી રહ્યા છે.
ભારે સુરક્ષા વચ્ચે જોવા મળ્યો બચ્ચન પરિવાર
એરપોર્ટ પરથી સામે આવેલા વીડિયોમાં જોવા મળ્યું કે પરિવારને બહાર લાવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સૌથી પહેલાં અભિષેક બચ્ચન કારમાંથી બહાર આવ્યા. તેણે ત્યાં હાજર એરપોર્ટ અધિકારીઓ સાથે હાથ મિલાવીને અભિવાદન કર્યું અને પછી સુરક્ષા ઘેરા સાથે આગળ વધ્યા. તેની પાછળ ઐશ્વર્યા રાય અને આરાધ્યા મેચિંગ બ્લેક આઉટફિટમાં બહાર આવ્યા. પાપારાઝીએ ફોટા લેવાનું શરૂ કરતાં જ આરાધ્યાએ કોઈ સંકોચ વિના તરત હાથ જોડીને સૌનું અભિવાદન કર્યું અને આગળ વધી ગઈ.
https://www.instagram.com/reel/Dbn3rxVq1WD/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026ની યાદો
આ પહેલી વખત નથી જ્યારે આરાધ્યાના વર્તને લોકોનું દિલ જીત્યું હોય. આ પહેલાં તે પોતાની માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ફ્રેન્ચ રિવેરામાં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પણ સામેલ થઈ હતી. તે સમયનો એક વીડિયો પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો, જેમાં ઐશ્વર્યા પોતાના ફેન્સ સાથે દિલથી વાત કરતી જોવા મળી હતી અને આરાધ્યા પોતાની માતાના આ વર્તનને ખૂબ ધ્યાનથી નિહાળી રહી હતી. તે દરમિયાન એક ફેને ઐશ્વર્યાને ઓટોગ્રાફ અને ફોટાની વિનંતી કરી હતી. ઐશ્વર્યાએ તરત જ રોકાઈને ફેન સાથે વાત કરી અને પ્રેમથી સેલ્ફી પણ ખેંચાવી હતી. આરાધ્યા પોતાની માતાનો હાથ પકડીને બાજુમાં ઊભી રહી હતી અને ફેન્સ પ્રત્યેના આ પ્રેમાળ વર્તનને જોઈને સ્મિત કરતી હતી. સોશિયલ મીડિયા પર લોરિયલ પેરિસના ડિનરનો આ વીડિયો શેર થયા બાદ લોકોએ આરાધ્યાની સુંદરતા અને તેના શિષ્ટ વર્તનની ખૂબ પ્રશંસા કરી હતી.
કાન્સમાં સત્તાવાર હાજરી
આ જ કાન્સ પ્રવાસ દરમિયાન આરાધ્યાએ લાઇટ્સ ઓન વુમેન્સ વર્થ એવોર્ડ્સની 6મી આવૃત્તિમાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે તે સુંદર લાલ ગાઉનમાં જોવા મળી હતી. કાન્સના મંચ પર તેની આ સત્તાવાર હાજરી માનવામાં આવી હતી, જોકે તેણે રેડ કાર્પેટ પર વોક કર્યો નહોતો. બાળપણથી જ માતા સાથે કાન્સ જતી આરાધ્યાનો આ નવો લુક પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.
અભિષેક અને ઐશ્વર્યાના આગામી પ્રોજેક્ટ્સ
કામની વાત કરીએ તો અભિષેક બચ્ચન તાજેતરમાં ઐતિહાસિક ડ્રામા ફિલ્મ રાજા શિવાજીમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે સંભાજી મહારાજની અસરદાર ભૂમિકા ભજવી હતી. તે પહેલાં તેઓ કાલીધર લાપતામાં જોવા મળ્યા હતા. હવે અભિષેક શાહરુખ ખાન સાથે બહુ ચર્ચિત ફિલ્મ કિંગમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીજી તરફ ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે દિગ્દર્શક મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન 2માં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તેમણે હજુ સુધી પોતાના કોઈ નવા પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી નથી.
આ પણ વાંચો-વેટરન એક્ટ્રેસ રેખા આજે પણ કેમ લગાવે છે સિંદૂર? 36 વર્ષ જૂનું રહસ્ય હવે સામે આવ્યું!