બોલિવૂડ અભિનેત્રી કાજોલની બહેન અને જાણીતી એક્ટ્રેસ તનિષા મુખર્જી સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો ખુલ્લેઆમ રજૂ કરવા માટે જાણીતી છે. હાલમાં જ ચૂંટણી કમિશનર વિરુદ્ધ થઈ રહેલા વિરોધ અને કેન્દ્ર સરકારની ટીકાઓ વચ્ચે, તનિષાએ કેટલાક શિક્ષિત અને ઉચ્ચ કક્ષાના ટીકાકારો પર આકરા પ્રહારો કર્યા છે. તેણે આ લોકો પર આંધળા દ્વેષથી પ્રેરિત થઈને વાતો કરવાનો આરોપ લગાવ્યો છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ અને તનિષાની આકરી પ્રતિક્રિયા
તનિષા મુખર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તીખી પોસ્ટ શેર કરતાં લખ્યું કે, "કેટલાક કહેવાતા શિક્ષિત અને ઉચ્ચ વર્ગના હિન્દુઓના આંધળા દ્વેષથી હું ખરેખર આઘાત પામી છું, જેઓ આજે પણ સંપૂર્ણપણે બ્રિટિશ માનસિકતાના પ્રભાવ હેઠળ જીવી રહ્યા છે. જો તમને લંડન અને અમેરિકા પ્રત્યે આટલો જ પ્રેમ હોય, તો કૃપા કરીને ત્યાં જતાં રહો! આપણને અહીં એવા લોકોની જરૂર નથી જે દેશને નીચો બતાવવાનો પ્રયાસ કરે."
https://x.com/TanishaaMukerji/status/2109142300592832942?
દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે તેણે વધુમાં ઉમેર્યું કે, "હા, દેશમાં ઘણી સમસ્યાઓ છે, પરંતુ કોઈપણ પરિવર્તનમાં સમય લાગે છે. છેલ્લા 10 વર્ષમાં આપણા દેશે કરેલી પ્રગતિ અને ફેરફારોને જુઓ!"
"સરકારને ટેકો આપીએ તો અશિક્ષિત કહેવાય છે"
મીડિયા અને સોશિયલ મીડિયાના નરેટિવ પર સવાલ ઉઠાવતા તનિષાએ લખ્યું, "જો આપણે આપણી સરકારને ટેકો આપીએ, તો આપણને આંધળા અનુયાયી અને અશિક્ષિત ગણાવવામાં આવે છે. પરંતુ જો આપણે અમેરિકા કે જર્મનીના એવા જૂથોને સમર્થન આપીએ જે ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો આપણને કૂલ અને જાણકાર કહેવામાં આવે છે! આ લડાઈ તમારા વિચારો અને ધ્યાન પર નિયંત્રણ મેળવવાની છે. મીડિયાથી એટલા પ્રભાવિત ન થાઓ કે સામાન્ય સમજ વાપરવાનું જ બંધ કરી દો. કાયદાનું શાસન જ સમાજને સુરક્ષિત રાખી શકે છે."
કોણ છે તનિષા મુખર્જી?
દિગ્ગજ અભિનેત્રી તનુજાની પુત્રી અને કાજોલની નાની બહેન તનિષા મુખર્જીએ વર્ષ ૨૦૦૩માં ફિલ્મ 'શ્શશ...' (Sssssshh...) થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૧૩માં રિયાલિટી શો "બિગ બોસ ૭" માં પહેલી રનર-અપ બન્યા બાદ તેને દેશભરમાં ભારે લોકપ્રિયતા મળી હતી. આ પછી તે "ખતરોં કે ખિલાડી ૭" અને "ઝલક દિખલા જા ૧૧" જેવા લોકપ્રિય શોમાં સ્પર્ધક તરીકે નજરે પડી હતી. આ ઉપરાંત તેણે કોમેડી શો 'ગેંગ્સ ઓફ હાસીપુર'માં જજની ભૂમિકા પણ ભજવી હતી. તનિષા છેલ્લે ૨૦૨૪માં રિલીઝ થયેલી ફિલ્મ "લવ યુ શંકર" માં જોવા મળી હતી.