ગૌરવ ખન્નાની પત્ની અને 'લોક અપ 2'ની સ્પર્ધક આકાંક્ષા ચમોલા હાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. શોમાં તેમણે ખુલાસો કર્યો હતો કે તે અને ગૌરવ ખન્ના છૂટાછેડા લેવાના છે અને છેલ્લા 1 વર્ષથી અલગ રહે છે. ત્યારબાદ એવા અહેવાલો સામે આવ્યા હતા કે આકાંક્ષાએ ગૌરવ પાસે 10 કરોડ રૂપિયાની ભરણપોષણની રકમ માંગી છે. હવે અભિનેત્રીએ પહેલીવાર આ અહેવાલો પર મૌન તોડ્યું છે.

શું બોલી આકાંક્ષા ચમોલા?

તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં આકાંક્ષાએ 10 કરોડ રૂપિયાની ભરણપોષણની રકમ માંગવાના અહેવાલો અંગે ખુલાસો કર્યો. તેણે આ તમામ અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ગૌરવ ખન્ના પાસે 10 કરોડ રૂપિયાની ભરણપોષણની રકમ માંગી રહ્યાં છે, ત્યારે અભિનેત્રીએ કહ્યું, 'જો મેં માંગ્યા હોત અને જો મને મળી ગયા હોત તો હું અહીં બેસી હોત? જો ખરેખર મારી પાસે આટલા પૈસા હોત તો હું ક્યારની આ દેશ છોડીને જતી રહી હોત.'

ક્યાંથી શરૂ થઈ ભરણપોષણની રકમની ચર્ચા?

તાજેતરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઓરીએ આકાંક્ષા અને ગૌરવના છૂટાછેડા અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે તેને વિશ્વાસ છે કે આકાંક્ષા છૂટાછેડા વખતે ગૌરવ પાસેથી કંઈક ને કંઈક જરૂર લેશે. ત્યારબાદ જ 10 કરોડ રૂપિયા માંગવાના અહેવાલો વાયરલ થવા લાગ્યા. હવે આકાંક્ષાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમણે ગૌરવ પાસે 10 કરોડ રૂપિયાની ભરણપોષણની રકમ માંગી નથી.

'શુગર ડેડી સીકર' કહેનારાઓને પણ આપ્યો જવાબ

આ જ ઈન્ટરવ્યૂમાં આકાંક્ષાએ તેમને ગૌરવ સાથે લગ્ન કરવા બદલ 'શુગર ડેડી સીકર' કહેનારા ટ્રોલ્સને પણ જવાબ આપ્યો. ગૌરવ અને આકાંક્ષાની ઉંમરમાં લગભગ 10 વર્ષનું અંતર છે. બંનેના લગ્ન સમયે પણ આ ઉંમરના અંતરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ટ્રોલ્સને જવાબ આપતા આકાંક્ષાએ કહ્યું કે સામાન્ય રીતે 30, 40 કે 50 વર્ષની ઉંમરના પુરુષોને 'શુગર ડેડી' કહેવામાં આવે છે. ગૌરવ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું, '10 વર્ષ મોટો હોય એટલે કોઈ શુગર ડેડી ન બની જાય.'

ઇન્સ્ટાગ્રામ યુઝરનેમ કેમ નથી બદલ્યું?

આકાંક્ષાએ પોતાના ઇન્સ્ટાગ્રામ યુઝરનેમ અંગે પણ વાત કરી. તેમના ઇન્સ્ટાગ્રામ પર હજુ પણ નામ 'આકાંક્ષા ચમોલા ગૌરવ' છે. આ અંગે આકાંક્ષાએ જણાવ્યું કે તેઓ પોતાનું યુઝરનેમ બદલવા માંગે છે, પરંતુ મેટા તરફથી તેમને મુશ્કેલી આવી રહી છે. તેમણે કહ્યું, 'મેટાવાળા કરી નથી રહ્યા.' આકાંક્ષાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાનું યુઝરનેમ બદલવા માટે મેટા ઈન્ડિયા અને ઇન્સ્ટાગ્રામ પાસે મદદ માંગી હતી.

2016માં ગૌરવ અને આકાંક્ષાના લગ્ન થયા હતા

આકાંક્ષા અને ગૌરવની પહેલી મુલાકાત એક ઓડિશન દરમિયાન થઈ હતી. થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 24 નવેમ્બર 2016ના રોજ ગૌરવના વતન કાનપુરમાં લગ્ન કર્યા હતા. લગભગ 10 વર્ષ સાથે રહ્યા બાદ હવે બંનેના રસ્તા અલગ થઈ રહ્યા છે.