ટાઇગર શ્રોફ પર તાજેતરમાં થયેલા જીવલેણ હુમલા બાદ બોલિવૂડના કલાકારોમાં ચિંતા વધી છે. આ દરમિયાન ખુલાસો થયો છે કે ટાઇગર શ્રોફ નહીં, પરંતુ હુમલાખોરોનું અસલી નિશાન સલમાન ખાન સહિત બોલિવૂડના અન્ય મોટા કલાકારો હતા. હુમલાખોરોએ અક્ષય કુમારના ઘરની પણ અગાઉથી તપાસ કરી હતી. આ ઘટનાને પગલે આ કલાકારોએ પોતાની સુરક્ષા વધારી દીધી છે.
અક્ષય કુમારે વધારી પોતાની સુરક્ષા
અક્ષય કુમારના ઘરમાં બુલેટપ્રૂફ કાચ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર પણ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ અક્ષય કુમારના ઘરની પણ તપાસ કરી હતી. અક્ષય કુમારના ઘરની બહાર પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
ટાઇગર શ્રોફ નહીં, બોલિવૂડના મોટા કલાકારો હતા નિશાના પર
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરોનો મુખ્ય હેતુ અગાઉ ટાઇગર શ્રોફને નિશાન બનાવવાનો નહોતો. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, આમિર ખાન અને સલમાન ખાન જેવા બોલિવૂડના મોટા કલાકારો તેમના નિશાના પર હતા. હુમલાખોરોએ આ ચારેય કલાકારોનાં ઘર અને કાર્યાલયની તપાસ પણ કરી હતી.
જોકે, આ કલાકારોની સુરક્ષા વ્યવસ્થા કડક હોવાથી તેમના પર હુમલો કરી શકાયો નહોતો. ત્યાર બાદ ઉતાવળમાં ટાઇગર શ્રોફને નિશાન બનાવવામાં આવ્યા, કારણ કે તેમની પાસે સુરક્ષા કર્મચારીઓની વ્યવસ્થા નહોતી.
ઓછી સુરક્ષા ધરાવતા કલાકારોને નિશાન બનાવવાની સૂચના હતી
હુમલાખોરો લગભગ એક મહિના પહેલાં મુંબઈ આવ્યા હતા અને મોટા કલાકારોનાં ઘરની તપાસ કરી રહ્યા હતા.
તેઓ મુંબઈમાં ફરવા માટે જે રિક્ષાચાલકોની મદદ લેતા હતા, તેમને જ પૂછતા હતા કે બોલિવૂડના કલાકારોનાં ઘરે લઈ જાઓ, અમારે તેમની સાથે તસવીરો પડાવવી છે. ત્યાર બાદ અલગ-અલગ રિક્ષાચાલકો તેમને અમિતાભ બચ્ચન, આમિર ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાનનાં ઘરે લઈ ગયા હતા.
હુમલાખોરોને સૂચના આપવામાં આવી હતી કે જે કલાકારોની સુરક્ષા ઓછી હોય, તેમને જ નિશાન બનાવવા.
સલમાન ખાનની સુરક્ષા વધુ કડક બનાવાઈ
ટાઇગર શ્રોફ પર ગોળીબારની ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષાની નવેસરથી સમીક્ષા કરવામાં આવી છે. મુંબઈ પોલીસની સાથે કમાન્ડો પણ તેમની સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાકર્મીઓ પાસે MP5 SD6 સબમશીન ગન છે.
સલમાન ખાનના ઘરમાં અગાઉ પણ બુલેટપ્રૂફ કાચ લગાવવામાં આવ્યા હતા. હવે આ કાચને વધુ સુરક્ષિત બનાવવા માટે તેને સુધારવાનું કામ ચાલી રહ્યું છે.