સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ભારે ચર્ચા અને ઉત્તેજના વચ્ચે આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આલ્ફા' (Alpha) આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અત્યારે બોક્સ ઓફિસ પર બધાની નજર આલિયા ભટ્ટના સ્ટાર પાવર અને શર્વરીના દમદાર અભિનય પર ટકેલી છે. પરંતુ આ ફિલ્મ માત્ર આ બે અભિનેત્રીઓ માટે જ નહીં, પણ યશ રાજ ફિલ્મ્સ (YRF) ના પ્રખ્યાત 'સ્પાય યુનિવર્સ' (Spy Universe) ના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાની છે.

આલિયા-શર્વરી બોલીવુડ દિગ્ગજોને પછાડશે

આલિયા અને શર્વરીએ માત્ર મોટા પડદા પર જબરદસ્ત એક્શન જ નથી બતાવવાની, પરંતુ સલમાન ખાન, શાહરૂખ ખાન, ઋતિક રોશન અને જુનિયર એનટીઆર જેવા ભારતના ચાર સૌથી મોટા સુપરસ્ટાર્સના આ કરોડો રૂપિયાના સ્પાય યુનિવર્સને ડૂબતું બચાવવાનું પણ છે. એક સમય હતો જ્યારે યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો બોક્સ ઓફિસ પર એકહથ્થુ દબદબો હતો. સલમાન ખાનની 'એક થા ટાઇગર' (2012) અને 'ટાઇગર ઝિંદા હૈ' (2017) એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. વોર (2019)માં ઋતિક રોશન અને ટાઇગર શ્રોફની આ ફિલ્મે બોક્સ ઓફિસ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. શાહરૂખ ખાનની પઠાણ (2023) ફિલ્મે ભારતીય સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે રેકોર્ડ નોંધાવ્યા અને પહેલીવાર યશરાજની તમામ જાસૂસી વાર્તાઓને એક જ બ્રહ્માંડમાં જોડી દીધી.

બોલીવુડમાં સ્પાય યુનિવર્સની તેજ ગતિ પર લાગી બ્રેક

પરંતુ, આ સુવર્ણકાળ પછી આ યુનિવર્સની ગતિ ધીમી પડી. સલમાન ખાનની 'ટાઈગર 3' (2023) બોક્સ ઓફિસ પર સફળ રહી પરંતુ તેની નબળી વાર્તાને કારણે દર્શકોને પ્રભાવિત ન કરી શકી. આ યુનિવર્સ માટે આ પહેલું સ્પીડ-બ્રેકર હતું. ત્યારબાદ વર્ષ 2025 માં આવેલી 'વોર 2' માં ઋતિક રોશન અને જુનિયર એનટીઆરની જોડી પણ દર્શકોને પસંદ ન આવી અને તે સ્પાય યુનિવર્સની પહેલી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ. આ બે મોટી ફિલ્મોના નબળા પ્રદર્શન પછી હવે બધી જવાબદારી 'આલ્ફા' પર આવી ગઈ છે.

શું 'આલ્ફા' ગેમ-ચેન્જર સાબિત થશે?

જોકે, ભારતીય પ્રેક્ષકો હંમેશા સારી એક્શન અને સ્ટોરીટેલિંગને આવકારે છે. 'આલ્ફા' ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સ્પાય યુનિવર્સના ઇતિહાસમાં પહેલીવાર પુરુષ સુપરસ્ટાર્સને બદલે સ્ત્રી પાત્રો (આલિયા અને શર્વરી) દેશ માટેના ગુપ્ત મિશન પર નીકળ્યા છે અને દિલધડક એક્શન કરતા જોવા મળશે. અત્યાર સુધી આ બ્રહ્માંડ પર પુરુષ સ્ટાર્સનું વર્ચસ્વ રહ્યું છે, તેથી 'આલ્ફા' પાસે ઇતિહાસ બદલવાની અને આ યુનિવર્સને ફરી બેઠું કરવાની સુવર્ણ તક છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ પર જનતા પોતાનો શું ચુકાદો આપે છે.


આ પણ વાંચો : Flop To Hit : ફ્લોપ થવાના આરે પહોંચેલી આ ફિલ્મે કરી શાનદાર વાપસી, બોક્સ ઓફિસ પર પલટી ગઈ બાજી!