બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલની માતા આશા પટેલના ઘરેથી આ વર્ષે જાન્યુઆરીમાં આશરે 5 લાખ રૂપિયાની હીરાજડિત બંગડી ચોરાઈ ગઈ હતી. આ મામલે પોલીસે હવે તેમની 40 વર્ષની ઘરકામ કરતી મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાની ઓળખ સીમા વિનોદ ઘાટે તરીકે થઈ છે. 

દોઢ વર્ષથી ઘરમાં કામ કરતી હતી મહિલા

મીડિયા રિપોર્ટ મુજબ, સીમા વિનોદ ઘાટે છેલ્લા લગભગ દોઢ વર્ષથી અમીષા પટેલની માતાના ઘરે ઘરકામ કરતી હતી. જાન્યુઆરી 2026માં ઘરમાંથી બંગડી ચોરાઈ ત્યારે આશા પટેલને સીમા પર શંકા ગઈ હતી. તેમણે તેને આ અંગે ઘણી વખત પૂછપરછ કરી હતી, પરંતુ તેણે ચોરીની વાત નકારી કાઢી હતી. ત્યારબાદ આશા પટેલે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની ધારા 306 હેઠળ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ ક્રાઈમ ડિટેક્શન ટીમે તપાસ શરૂ કરી અને આરોપી મહિલાને વિરારથી શોધી કાઢી હતી.
Ameesha Patel, Bollywood (2)

15 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં આરોપી

પોલીસે સીમાની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાંથી તેને 15 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. પોલીસ હવે ચોરાયેલી બંગડી શોધવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં ચોરાયેલી જ્વેલરી મળી નથી. આ સાથે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી મહિલા સામે અગાઉ કોઈ ગુનાનો કેસ નોંધાયો છે કે નહીં. આ મામલાની તપાસ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ ચૌધરી અને મરીન ડ્રાઈવ પોલીસની ક્રાઈમ ડિટેક્શન ટીમ કરી રહી છે.

કહો ના પ્યાર હૈથી કર્યું હતું ડેબ્યૂ

કામની વાત કરીએ તો અમીષા પટેલે 2000માં રિતિક રોશન સાથે ફિલ્મ કહો ના પ્યાર હૈથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમની પહેલી જ ફિલ્મ મોટી હિટ સાબિત થઈ હતી અને અમીષા રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી. ત્યારબાદ તેમણે સની દેઓલ સાથે ગદર: એક પ્રેમ કથામાં કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. જોકે, ત્યારબાદ અમીષાની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. તેમાં આપ મુઝે અચ્છે લગને લગે, યે જિંદગી કા સફર, આપ કી ખાતિર, હમકો તુમસે પ્યાર હૈ, તથાસ્તુ, તીસરી આંખ, શર્ત: ધ ચેલેન્જ, સુનો સસુરજી, વાયદા, એલાન અને ઝમીર જેવી ફિલ્મો સામેલ છે.

ગદર 3માં જોવા મળશે અમીષા પટેલ

ગદર: એક પ્રેમ કથાના લગભગ 2 દાયકા બાદ અમીષા પટેલે 2023માં ગદર 2થી સકીનાના પાત્રમાં વાપસી કરી હતી. ફિલ્મમાં તેઓ ફરી એકવાર સની દેઓલ સાથે જોવા મળ્યા હતા. ગદર 2 બોક્સ ઓફિસ પર મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને આ ફિલ્મે અમીષાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધી હતી. મે 2026માં અમીષા પટેલે ગદર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મને લઈને પુષ્ટિ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ગદર 3 બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરશે.

આ પણ વાંચો-Famous Cricketer : બોલીવુડ હીરો બનનાર પહેલો ભારતીય ક્રિકેટર! દર્શકોની ફરમાઇશ પર ફટકારતો સિક્સર!