બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ફરી એકવાર ધમકી મળવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈના મેયર ઋતુ તાવડેની ઓફિસમાં મળેલા ધમકીભર્યા ઈમેઇલમાં BMC મુખ્યાલય અને અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ની ટીમ તપાસ માટે BMC ઓફિસ પહોંચી હતી. હાલમાં ઓફિસ અને આસપાસના પરિસરની તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ પણ મળી ચૂકી છે ધમકી

અમિતાભ બચ્ચનને છેલ્લા કેટલાક મહિનામાં અગાઉ પણ બે વખત ધમકી મળી ચૂકી છે. અગાઉની ધમકીમાં પણ તેમના બંગલા ‘જલસા’ને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી. આ મામલે મુંબઈ પોલીસ તેમની સુરક્ષાને લઈને સતર્ક છે.

અભિષેક બચ્ચનને પણ અપાઈ હતી ધમકી

અગાઉની બીજી ધમકીમાં અમિતાભ બચ્ચન સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચનનું નામ પણ સામેલ હતું. સોશિયલ મીડિયા પર ગોલ્ડી ઢિલ્લોંના નામે એક પોસ્ટ સામે આવી હતી, જેમાં બંને પિતા-પુત્રને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોસ્ટમાં બુલેટપ્રૂફ કેબિનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના બંગલા ‘જલસા’ની બહાર ચાહકોને મળવા આવે છે. અગાઉ એક રવિવારે તેઓ કાચની સુરક્ષા વ્યવસ્થા પાછળ જોવા મળ્યા હતા. આ કાચની વ્યવસ્થાને બુલેટપ્રૂફ કેબિન હોવાનું જણાવવામાં આવ્યું હતું. તે સમયે અભિષેક બચ્ચન પણ તેમની સાથે જોવા મળ્યા હતા.

મુંબઈ પોલીસ સુરક્ષાને લઈને સતર્ક

અગાઉ ફિલ્મી કલાકારોની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ મુંબઈ પોલીસે અમિતાભ બચ્ચનના બંગલા બહાર સુરક્ષા વધારી હતી. ‘જલસા’ની બહાર સુરક્ષા ગાર્ડ ઉપરાંત હથિયારધારી પોલીસ જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા છે. વધારાના બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારો પર નજર રાખવા હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંગલાની આસપાસ પાર્કિંગ પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. પ્રતિબંધિત વિસ્તારમાં બિનજરૂરી અવરજવર તેમજ ફોટો-વિડિયો બનાવવાની પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Nvidiaનો દક્ષિણ-પૂર્વ એશિયાના 4 દેશોને મોટો ઝટકો! સર્વર સપ્લાય પર રોક, ચીનની AI કંપનીઓ માટે મુશ્કેલી વધશે