બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને હિન્દી સિનેમામાં એક મોટું નામ અને ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીગબીને હિન્દી સિનેમાના સૌથી મોટા સ્ટાર તરીકે જોવામાં આવે છે. બોલીવુડમાં તેમનું સ્થાન સૌથી ઊંચું અને પ્રતિષ્ઠિત છે. બિગ બી આજે પણ 82 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરી રહ્યા છે અને તેમના શો 'કૌન બનેગા કરોડપતિ'થી નાના પડદા પર પણ ધૂમ મચાવી રહ્યા છે.


અમિતાભ બચ્ચને પોતાની 56 વર્ષની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારે બીગબી કોઈપણ ફિલ્મો સાઈન કરતા પહેલા કોની સલાહ લે છે એ મહત્વની વાત સામે આવી છે. અમિતાભ બચ્ચન તેમના પરિવારના એક વ્યક્તિની મદદ લે છે પરંતુ તેમાં જયા બચ્ચન, એશ્વર્યા રાય કે અભિષેક બચ્ચનનો સમાવેશ થતો નથી. અમિતાભ બચ્ચને પોતે એક વાર ખુલાસો કર્યો હતો કે ફિલ્મો સાઇન કરતી વખતે તેઓ કોની સલાહ માને છે.

ફિલ્મો સાઈન કરતા પહેલા આ વ્યક્તિની સલાહ લે છે બીગબી

અમિતાભ તેમના પુત્ર અભિષેક કરતાં તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદાની વધુ નજીક છે અને તેઓ ફિલ્મો સાઇન કરતી વખતે તેમની પુત્રીની સલાહનું પાલન કરે છે. તેમણે કહ્યું હતું કે શ્વેતાએ જે ફિલ્મો વિશે સૂચન કર્યું હતું તે હિટ સાબિત થઈ હતી. અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન તેના માતાપિતાના માર્ગ પર ચાલી ન હતી અને બોલીવુડમાં કારકિર્દી બનાવી ન હતી. શ્વેતા એક લેખિકા અને કટારલેખક છે. 2018માં શ્વેતાના પુસ્તકના લોન્ચિંગ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચને તેમની પુત્રી વિશે એક મોટો ખુલાસો કર્યો હતો.

અમિતાભ બચ્ચને દિકરીના કર્યા વખાણ

અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, હું મારી દરેક ફિલ્મ વિશે શ્વેતાનો અભિપ્રાય ચોક્કસ લઉં છું. બિગ બીના મતે, તેમની પુત્રીની નિરીક્ષણ શક્તિ ખૂબ સારી છે. અભિનેત્રી ન હોવા છતાં તેણીને ફિલ્મોની સારી સમજ છે. આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચને તેમની પુત્રીની ખૂબ પ્રશંસા કરી હતી. પીઢ અભિનેતાએ વધુમાં કહ્યું કે તેમની પુત્રીએ જે ફિલ્મોની સફળતાની આગાહી કરી હતી તે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. બિગ બીએ કહ્યું હતું, શ્વેતા મને ફિલ્મો સાઇન કરવામાં મદદ કરે છે.


  • Follow us on: