બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈના બાંદ્રા સ્થિત આલીશાન બંગલા 'મન્નત'માંથી એક સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 17 ઓગસ્ટના રોજ મન્નતના લૉનમાં અચાનક સાપ દેખાતા તુરંત જ રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. અગાઉ અભિનેત્રી અર્ચના પૂરન સિંહના બંગલેથી સાપની કાંચળી મળી હતી. શાહરૂખ જેવા સ્ટાર્સના ઘરેથી સાપ નીકળવાની ઘટનાથી તેના ફેન્સ ચિંતિત થયા છે. જો કે ટીમ દ્વારા સુરક્ષિત રીતે સાપનું રેસ્કયૂ કરાયું હતું.

શાહરૂખના ઘરેથી નીકળેલા સાપનું કરાયું રેસ્કયૂ

ઘટનાની માહિતી મળતા જ સ્નેક કેચર વિક્કી દુબે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસરમાં શોધખોળ હાથ ધરી હતી. ટીમે અત્યંત સાવધાનીપૂર્વક સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. પકડાયેલો સાપ ધમણ (ઇન્ડિયન રેટ સ્નેક) પ્રજાતિનો હતો. આ સાપ આશરે 8 ફૂટ લાંબો હતો. આ સાપ બિન-ઝેરી હોવાનું સામે આવતા મન્નતના સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ્સે રાહતનો શ્વાસ લીધો હતો.

નાગપંચમીના દિવસે શાહરૂખના ઘરે સાપ

સૌથી રસપ્રદ વાત એ રહી કે આ ઘટના નાગ પંચમીના પવિત્ર દિવસે જ બની હતી. ઉલ્લેખનીય છે કે, બાંદ્રાના પોશ વિસ્તારમાં આવેલો મન્નત બંગલો શાહરૂખ ખાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેની હાલની કિંમત આશરે ₹300 કરોડ અંકાય છે. નાગપંચમીના દિવસે ઘરમાંથી સાપ નીકળવાને લઈને જુદી-જુદી માન્યાત છે. એક માન્યતા મુજબ ઘરમાં સાપ અથવા તો સાપની કાંચળી નીકળવાને શુભ માનવામાં આવે છે. નાગપંચમીએ સાપ નીકળવાને સુખ, સમૃદ્ધિનો સંકેત ગણાય છે.

શાહરૂખના આગામી પ્રોજેક્ટ

શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ "કિંગ"માં જોવા મળશે, જે 24 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સુહાના ખાન, રાઘવ જુયાલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.


આ પણ વાંચો : Batwara 1947 Movie જોઈ ભાવુક થઈ હેમા માલિની, સની દેઓલ અને શબાના આઝમીના વખાણ કર્યા, આપ્યો ખાસ મેસેજ