દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે હિન્દી સિનેમામાં 4 દાયકાથી વધુનો સમય પસાર કર્યો છે. આ દરમિયાન તેમણે ફિલ્મોની સાથે રંગમંચ પર પણ પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેમની આ લાંબી કારકિર્દીને હવે અમેરિકાના ઓહાયો રાજ્યમાં ખાસ સન્માન મળ્યું છે. અનુપમ ખેરને ઓહાયો તરફથી સ્પેશિયલ પ્રોક્લેમેશન આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમની લાંબી ફિલ્મી કારકિર્દી ઉપરાંત તેમના લાઇવ સ્ટેજ પરફોર્મન્સ ‘જાને પહચાને અનજાને’ માટે પણ આપવામાં આવ્યું છે.
કોલંબસમાં મળ્યું ખાસ સન્માન
કોલંબસમાં યોજાયેલા આ લાઇવ શો દરમિયાન મળેલા સન્માનની તસવીર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેને પોતાના માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.
અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર સ્પેશિયલ પ્રોક્લેમેશન સાથે પોતાની એક તસવીર શેર કરી હતી. આ સાથે તેમણે ઓહાયોના ગવર્નર માઇક ડિવાઇન અને લેફ્ટનન્ટ ગવર્નર જિમ ટ્રેસલનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે 4 દાયકાથી વધુ લાંબી પોતાની ફિલ્મી કારકિર્દી અને ‘જાને પહચાને અનજાને’ના લાઇવ સ્ટેજ પરફોર્મન્સ માટે આ પ્રકારનું સન્માન મળવું તેમના માટે ખૂબ જ ખાસ છે. ઓહાયો રાજ્ય તરફથી સ્પેશિયલ પ્રોક્લેમેશન મળવું તેમના માટે અસાધારણ અનુભવ રહ્યો.
અનુપમ ખેરે વ્યક્ત કર્યો આભાર
તેમણે લખ્યું કે તેઓ આ સન્માનને ગર્વ અને વિનમ્રતા સાથે સ્વીકારે છે. આ માટે તેમણે ઓહાયોના ગવર્નર માઇક ડિવાઇન અને લેફ્ટનન્ટ ગવર્નર જિમ ટ્રેસલનો આભાર માન્યો. તેમણે કહ્યું કે આ સન્માનનો શ્રેય ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જાય છે. આ ઇન્ડસ્ટ્રીએ તેમને ઓળખ આપી છે. આ સાથે તેમણે ‘જાને પહચાને અનજાને’ની સમગ્ર ટીમ અને કલાકારોનો પણ આભાર માન્યો, જેમની મહેનત અને જુસ્સાના કારણે દરેક લાઇવ પરફોર્મન્સ ખાસ બને છે.
અનુપમ ખેરે કહ્યું કે પોતાના દેશથી આટલે દૂર આ રીતે સ્વાગત અને સન્માન મળવું તેમના માટે ખૂબ જ ભાવુક ક્ષણ છે. તેમણે ઓહાયોનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ આ સન્માનને લાંબા સમય સુધી યાદ રાખશે.
1984માં શરૂ થઈ ફિલ્મી કારકિર્દી
અનુપમ ખેરની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેમણે 1984માં મહેશ ભટ્ટની ફિલ્મ ‘સારાંશ’થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. ત્યાર બાદ તેઓ ‘કર્મા’, ‘તેઝાબ’, ‘ચાલબાઝ’, ‘વિજય’, ‘રામ લખન’, ‘ડેડી’, ‘સૌદાગર’, ‘દિલ’, ‘હમ આપકે હૈં કૌન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દુલ્હન હમ લે જાયેંગે’ અને ‘સ્પેશિયલ 26’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા.