11 ઓક્ટોબર, 1942ના રોજ અલ્હાબાદના સંસ્કારભર્યા પરિવારમાં જન્મેલા અમિતાભ બચ્ચન, ભારતીય સિનેમાના એવા દિગ્ગજ છે, જેમને શહેનશાહ ઓફ બોલીવુડ અને બિગ બી તરીકે ઓળખવામાં આવે છે. પાંચ દાયકાથી વધુની ફિલ્મી કારકિર્દી અને 200 કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કરીને તેમણે પોતાનું એક અનોખું સ્થાન બનાવ્યું છે. આજે જ્યારે અમિતાભ બચ્ચન તેમનો 82મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે સમગ્ર દેશ, તેમના ફેન્સ અને ફિલ્મ જગતના હસ્તીઓ તરફથી તેમને શુભકામનાઓ મળી રહી છે.


અમિતાભ બચ્ચનના દાદા દાદી

ફેન્સને અમિતાભ બચ્ચનના માતા-પિતા વિશે ઘણું વાંચ્યું છે પરંતુ તેમના દાદા-દાદીનો ઉલ્લેખ બહુ ઓછો છે. અભિનેતાના દાદા-દાદીનું નામ લાલા પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને સરસ્વતી દેવી છે. તેમને ચાર બાળકો હતા, જેમાં બિટ્ટન, ભગવાનદેઈ, હરિવંશ રાય અને શાલિગરામ છે.

કવિ પિતા અને સંવેદનશીલ માતાના પુત્ર અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચન હિંદી સાહિત્યના વિખ્યાત કવિ હતા. માતા તેજી બચ્ચન એક સામાજિક કાર્યકર અને પંજાબના ફૈસલાબાદ શહેરના નિવાસી હતા. મૂળ નામ ઈન્કિલાબ શ્રીવાસ્તવ ધરાવતા અમિતાભનું નામ પછી બદલાઈને અમિતાભ રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ છે અખૂટ પ્રકાશ. આ નામ તેમને પ્રસિદ્ધ કવિ સુમિત્રાનંદન પંત દ્વારા આપવામાં આવ્યું હતું.

પિતાનું જીવન અને તેમના બે લગ્ન

હરિવંશ રાય બચ્ચન, તેમના પિતાના ત્રીજા સંતાન હતા. તેમણે જીવનમાં બે લગ્ન કર્યા હતા. પ્રથમ પત્ની શ્યામા, ટ્યુબર્ક્યુલોસિસ (ટી.બી.) જેવી ગંભીર બીમારીથી પીડાતા પીડાતા અવસાન પામ્યા હતા. પછી તેમણે તેજી સૂરી સાથે લગ્ન કરીને કુટુંબ જીવન શરૂ કર્યું. તેજીથી તેમને બે પુત્ર  અમિતાભ અને અજિતાભ થયા.

જયા બચ્ચન: અભિનેત્રીથી સાંસદ સુધીનું સફર

જયા બચ્ચન માત્ર એક સફળ અભિનેત્રી જ નહીં પરંતુ રાજકારણમાં પણ પોતાની ઊંડી છાપ છોડનારાં વ્યક્તિ છે. 2004માં તેમણે સમાજવાદી પાર્ટીથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેઓ ચાર વખત રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. ફિલ્મી જગતમાં તેમને તેમની અભિનય ક્ષમતાને લીધે 9 ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. 1992માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ત્રણ વખત આઈફા એવોર્ડ પણ તેમને મળ્યા છે.

અભિષેક બચ્ચન: પિતા જેવો મોટો પાયો

અમિતાભ અને જયાના પુત્ર અભિષેક બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અભિનેતા તરીકે જાણીતા છે. તેમણે 2000માં ફિલ્મ રેફ્યુજીથી અભિનયની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ફિલ્મોને વધારે સફળતા ન મળી, પણ યુવા, ધૂમ અને બંટી ઔર બબલી જેવી ફિલ્મોએ તેમનું કરિયર સજાવી દીધું. તેમણે વિશ્વસંદર રહી ચૂકેલી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે અને તેમને આરાધ્યા નામની પુત્રી છે.

શ્વેતા બચ્ચન નંદા

શ્વેતા બચ્ચન નંદા, અમિતાભ બચ્ચનની પુત્રી, એક પ્રતિભાશાળી લેખિકા અને ભૂતપૂર્વ મોડલ છે. તેમના જીવનસાથી નિખિલ નંદા, કપૂર પરિવારના પૌત્ર અને ઉદ્યોગપતિ છે. તેઓ હવે બંને બાળકો અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી નંદાના માતા-પિતા છે.

એક પરિવાર, અનેક પ્રતિભાઓ

અમિતાભ બચ્ચન માત્ર એક મહાન અભિનેતા નથી, પણ એક એવી વ્યક્તિ છે જેણે કળા, સાહિત્ય અને સમાજસેવામાં તેમનો કુટુંબ સાથે સમાન રીતે યોગદાન આપ્યું છે. આજે સમગ્ર દેશ તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે.

  • Follow us on: