બિગ બોસ 20માં હાલ મનીષ ગોયલ અને કાઝી તૌકીર વચ્ચેનો વિવાદ સતત ચર્ચામાં છે. શોની અંદર બંને વચ્ચેની ખેંચતાણ હવે ઘરની બહાર પણ ચર્ચાનો વિષય બની છે. આ મામલે હવે મનીષ ગોયલની પત્ની પૂનમ નરુલા ગોયલ ખુલ્લેઆમ સામે આવી છે.

તેમણે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને કાઝી તૌકીર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં, કાઝી પર મનીષની ઉંમરની મજાક ઉડાવવાનો અને તેમને વારંવાર ઉશ્કેરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.

રિયાલિટી શો 'બિગ બોસ 20'માં દરરોજ નવા વિવાદો અને ઝઘડા જોવા મળી રહ્યા છે. મનીષ ગોયલ અને કાઝી તૌકીર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અનબન હવે વધુ વકરી છે. પૂનમના જણાવ્યા અનુસાર, કાઝી વારંવાર મનીષને ટોણા મારે છે અને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે.

લાંબા સમય સુધી ચૂપ રહ્યા બાદ હવે તેમણે પોતાના પતિનો પક્ષ રજૂ કરતાં કાઝીને જવાબ આપ્યો છે.

'પ્રોફેસર' શબ્દ સાંભળીને કેમ ગુસ્સે થઈ જાય છે મનીષ?

શો દરમિયાન અનેક વખત જોવા મળ્યું છે કે જ્યારે કાઝી તૌકીર મનીષ ગોયલને 'પ્રોફેસર' અથવા 'જ્ઞાની બાબા' કહીને બોલાવે છે, ત્યારે મનીષ ગુસ્સે થઈ જાય છે.

આ પાછળનું કારણ સમજાવતાં પૂનમે પોતાની પોસ્ટમાં લખ્યું કે તેઓ એક મહિનાથી વધુ સમયથી ચૂપ હતાં અને ધીરજ રાખી રહ્યાં હતાં, પરંતુ હવે સાચી વાત લોકો સુધી પહોંચાડવી જરૂરી બની ગઈ છે.

પૂનમના જણાવ્યા પ્રમાણે, મનીષે બિગ બોસના ઘરમાં પ્રવેશ કર્યો ત્યારથી જ કાઝી તેમને 'જ્ઞાની બાબા' અને 'પ્રોફેસર' જેવા નામોથી ચીડવે છે. શરૂઆતમાં આ બધું એક મજાક અને પ્રૅન્ક તરીકે શરૂ થયું હતું, જેમાં ઘરના અન્ય સભ્યો પણ સામેલ હતા.

તે સમયે મનીષને આ પ્રૅન્ક વિશે કોઈ જાણકારી નહોતી. તેમ છતાં તેમણે આ વાતને હળવાશથી લીધી હતી અને અન્ય સભ્યો સાથે ડાન્સ પણ કર્યો હતો. જોકે, પૂનમનો દાવો છે કે આ ડાન્સનો ભાગ ટેલિવિઝન પર બતાવવામાં આવ્યો નહોતો.

પરંતુ પૂનમના જણાવ્યા પ્રમાણે, સમય જતાં કાઝીની મજાક હદ વટાવી ગઈ અને તેઓ મનીષને નીચા દેખાડે તેવી ટિપ્પણીઓ કરવા લાગ્યા. જ્યારે મનીષે તેમને આવું કરવાનું બંધ કરવા કહ્યું, ત્યારે કાઝીએ કેમેરા સામે જ કહ્યું હતું કે તેઓ મનીષને રડાવીને જ રહેશે અને અટકવાના નથી.

પૂનમના મતે, આ જ મુખ્ય કારણ છે કે મનીષ 'પ્રોફેસર' શબ્દ સાંભળતાં જ ગુસ્સે થઈ જાય છે.

ફૂટેજ મેળવવા માટે મનીષ ઝઘડો નથી કરતા: પૂનમ

બિગ બોસના દર્શકોમાં કેટલાક લોકો એવું માને છે કે મનીષ ગોયલ માત્ર સ્ક્રીન ટાઇમ અને ફૂટેજ મેળવવા માટે કાઝી સાથે ઝઘડો કરે છે. જોકે, પૂનમે આ આરોપનો પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમના પતિ જાણીજોઈને કાઝી પાસે ઝઘડો કરવા જતા નથી. જો મનીષને માત્ર ફૂટેજ મેળવવામાં જ રસ હોત, તો તેઓ ઘરમાં બીજી ઘણી રીતે પણ આવું કરી શક્યા હોત.

મનીષના સ્વભાવ વિશે વાત કરતાં પૂનમે જણાવ્યું કે તેમના પતિનો જન્મ 1970ના દાયકામાં થયો છે. તેઓ ઉત્તર ભારતીય છે, સ્વભાવે લાગણીશીલ છે અને ક્યારેક થોડા નાટકીય પણ બની જાય છે. તેમની વાત કરવાની રીત થોડી આક્રમક અથવા તેજ હોઈ શકે છે, પરંતુ તેઓ દિલના સાફ અને પરિવારને મહત્ત્વ આપનારા વ્યક્તિ છે.

પૂનમે વધુમાં કહ્યું કે આજની યુવા પેઢીને કદાચ મનીષની વાત કરવાની શૈલી પસંદ ન આવે અથવા તેમની સાથે જોડાવું મુશ્કેલ લાગે, પરંતુ તેનો અર્થ એવો નથી કે મનીષ કેમેરા સામે માત્ર અભિનય કરી રહ્યા છે.

કાઝીના ચાહકોને પણ પૂનમે આપી સલાહ

પૂનમે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં માત્ર કાઝી તૌકીરને જ નહીં, પરંતુ તેમના ચાહકોને પણ સીધો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિને સતત ઉશ્કેરવામાં આવે, તેની ઉંમરની મજાક ઉડાવવામાં આવે અથવા તેની આસપાસ અત્યંત ખરાબ પ્રકારની મજાક કરવામાં આવે, તો શાંત સ્વભાવનો માણસ પણ એક સમયે પ્રતિક્રિયા આપશે.

પૂનમના મતે, મનીષનું વર્તન તેમની સંસ્કાર અને સ્વભાવની વિરુદ્ધ નથી, પરંતુ વારંવાર ઉશ્કેરવામાં આવે ત્યારે તેમની પ્રતિક્રિયા સામે આવે છે. તેમણે કાઝીના ચાહકોને કહ્યું કે તમે કાઝીને પસંદ કરી શકો છો અને તેમને સમર્થન પણ આપી શકો છો, પરંતુ તેમના સમર્થનમાં એટલા આંધળા ન બની જશો કે સામેની વ્યક્તિનો પક્ષ જ દેખાવાનું બંધ થઈ જાય.

આ સાથે તેમણે મનીષના એક નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. પૂનમે યાદ અપાવ્યું કે જો મનીષને માત્ર એલિમિનેશન કે ગેમમાં આગળ વધવાની જ ચિંતા હોત, તો તેઓ કાઝી માટે પોતાની લાઇફલાઇન ક્યારેય કુરબાન ન કરતા.

https://www.instagram.com/p/Dfz93YMxsEr/?utm_source=ig_web_copy_link&xtok=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

51 વર્ષના વ્યક્તિ પાસેથી આખરે કેવી અપેક્ષા રાખવામાં આવે છે?

પોતાની પોસ્ટના અંતમાં પૂનમે સમાજની વિચારસરણી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે વર્ષ 2026માં પણ જો લોકો એક સીધા-સાદા અને સારા 51 વર્ષના વ્યક્તિને તે જેવો છે તેવો સ્વીકારી શકતા ન હોય, તો આ બાબત નિરાશાજનક અને બાળસુલભ છે.

તેમણે સવાલ કર્યો કે શું બિગ બોસ જેવા શોમાં ટકી રહેવા માટે દરેક વ્યક્તિએ સતત ઉછળકૂદ કરવી, બીજાને ગાળો આપવી અથવા દરેક પ્રકારની બિનજરૂરી હરકતોમાં સામેલ થવું જરૂરી છે? શું કોઈ વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે તો તેને સ્વીકારી શકાય નહીં?

હાલમાં પૂનમ નરુલા ગોયલની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે. મનીષ અને કાઝીના વિવાદમાં ચાહકો પણ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો પૂનમની વાતને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક કાઝીના પક્ષમાં દલીલો કરી રહ્યા છે.

હવે જોવાનું એ રહેશે કે બિગ બોસના ઘરમાં મનીષ અને કાઝી વચ્ચેનો આ વિવાદ આગળ કયું સ્વરૂપ લે છે.

આ પણ વાંચો : https://sandesh.com/entertainment/news/samay-raina-on-govinda-samay-raina-made-fun-of-govinda-nephew-krishna-abhishek-shocked-hear-said-he-will-shoot