બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાન પોતાની સ્પષ્ટ વક્તા શૈલી માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે વારંવાર ટ્રોલ્સને પણ યોગ્ય જવાબ આપે છે. ઝરીન ખાને ફરી એકવાર ટ્રોલ પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો તેમાં ઘણા યુઝર્સે અભિનેત્રીની ઉંમરને લઈ કેમેન્ટ કરી મજાક ઉડાવી હતી. હવે અભિનેત્રીએ મજાક ઉડાવનારા ટ્રોલને યોગ્ય જવાબ આપ્યો. યુઝરે ઝરીનની ઉંમર વધારવા અને લગ્ન કરવા અંગેની પોસ્ટ પર ટિપ્પણી કરી જે અભિનેત્રીને બિલકુલ પસંદ નહોતી આવી.


ઝરીન ખાને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે લગ્ન એ દરેક સમસ્યાનો ઉકેલ છે તેવી માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે. ટ્રોલ કરનારની મજાક ઉડાવતા ઝરીને કટાક્ષમાં પૂછ્યું કે શું લગ્ન કરવાથી તે ફરીથી યુવાન થઈ જશે? ઝરીને એમ પણ કહ્યું કે મહિલાઓની સ્વતંત્રતાને ઘણીવાર ખતરો માનવામાં આવે છે અને પરિવારોનો પહેલો ઉકેલ છોકરીના લગ્ન કરાવવાનો છે.

ઝરીન ખાને ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ

વીડિયોમાં ઝરીન ખાન કહે છે કે, 'હાલમાં મેં મારી પોસ્ટ પર કેટલીક ટિપ્પણીઓ વાંચી અને એક ટિપ્પણી મને ખૂબ જ વિચિત્ર લાગી. શું તમે જાણો છો કે કઈ? લગ્ન કરો, તમે વૃદ્ધ થઈ રહ્યા છો. તો શું હું લગ્ન કર્યા પછી ફરીથી યુવાન થઈશ? આનો અર્થ શું છે? મને ખબર નથી કે આ વિચાર ફક્ત આપણા દેશમાં જ છે કે તે એક સાર્વત્રિક સમસ્યા છે પણ મને ખબર નથી કે શા માટે લગ્નને દરેક વસ્તુનો અંતિમ ઉકેલ માનવામાં આવે છે.ઝરીન ખાને કહ્યું હતું કે, 'મારો મતલબ છે કે, આ કેવી રીતે ઉકેલ હોઈ શકે? જે વ્યક્તિ પોતાના જીવનની જવાબદારી પોતાના પર ન લઈ શકે તમે બીજા વ્યક્તિની જવાબદારી તેના પર નાખવા માંગો છો? પછી તે ફક્ત પોતાનું જીવન જ નહીં પણ તે બીજા વ્યક્તિનું જીવન પણ બરબાદ કરશે. તો મને નથી લાગતું કે આ પદ્ધતિ ક્યારેય કામ કરી શકે.'

લગ્ન દરેક સમસ્યાનો ઉકેલ નથી: ઝરીન

તેણીએ આગળ કહ્યું હતું કે, 'જેમ આપણા સમાજમાં કહેવામાં આવે છે કે જો છોકરો હાથમાંથી નીકળી રહ્યો હોય અથવા છોકરી નિયંત્રણમાંથી બહાર જઈ રહી હોય, તો માતાપિતાની સૌથી મોટી ચિંતા એ છે કે તેમના લગ્ન કરાવી દો. શું લગ્ન કોઈ જાદુ છે કે જો તમે તેમના લગ્ન કરાવી દો, તો બધું સારું થઈ જશે. જ્યાં સુધી હું જાણું છું આજકાલ લગ્ન બે-ત્રણ મહિનાથી વધુ ટકતા નથી. હું બિલકુલ માનતી નથી કે લગ્ન દરેક સમસ્યાનો ઉકેલ છે.'

તમને જણાવી દઈએ કે ઝરીન ખાને વર્ષ 2010માં સલમાન ખાનની ફિલ્મ વીરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. તેનું દિગ્દર્શન અનિલ શર્માએ કર્યું હતું. પરંતુ કેટરિના કૈફ સાથે સતત સરખામણી થવાથી ઝરીન ખાનના કરિયર પર ખરાબ અસર પડી હતી. તે છેલ્લે 2021માં આવેલી ફિલ્મ 'હમ ભી અકેલે તુમ ભી અકેલે' માં જોવા મળી હતી.


  • Follow us on: