બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને પોતાના દમ પર ઘણી હિટ ફિલ્મો આપી છે. એકથી એક ચડિયાતા કલાકારો હોવા છતાં આ ખાન ત્રિપુટી છેલ્લા 3 દાયકાથી સિનેમા પર રાજ કરી રહી છે. 50ના દાયકામાં દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદ તેમજ 70ના દાયકામાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર પછી 90ના દાયકાથી આ ત્રણેય સુપરસ્ટાર્સે ઈન્ડસ્ટ્રીની કમાન સંભાળી છે.

શાહરૂખ ખાન: 1.5 લાખથી 10,000 કરોડ સુધીની સફર

શાહરૂખ ખાને પોતાના કરિયરની શરૂઆત દીવાના ફિલ્મથી કરી હતી, જેના માટે તેમને માત્ર 1.5 લાખ રૂપિયા મળ્યા હતા. ત્યારપછી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, બાઝીગર, કુછ કુછ હોતા હૈ, ચક દે ઈન્ડિયાથી લઈને પઠાણ અને જવાન જેવી 100થી વધુ ફિલ્મો દ્વારા તેમણે ફેન્સના દિલ જીતી લીધા. આજે કિંગ ખાન પાસે 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેઓ દેશના સૌથી અમીર એક્ટર છે.

સલમાન ખાન: ચોકલેટી બોયથી લઈને સુપરસ્ટાર ભાઈજાન

સલમાન ખાને 31 હજાર રૂપિયાની ફી સાથે બીવી હો તો ઐસી ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ચોકલેટી બોય અને પછી એક્શન હીરો તરીકે તેમણે ફેન્સને દિવાના બનાવ્યા. તેમણે હમ આપકે હૈં કૌન, તેરે નામ, દબંગ, બજરંગી ભાઈજાન અને સુલતાન જેવી 120 જેટલી ફિલ્મો કરી છે. આજે તેઓ એક શો માટે 100 કરોડથી વધુ ફી લે છે અને તેમની કુલ નેટવર્થ 3225 કરોડ રૂપિયા છે.

આમિર ખાન: મિસ્ટર પરફેક્શનિસ્ટ અને 2000 કરોડનો રેકોર્ડ

આમિર ખાને બાળ કલાકાર તરીકે શરૂઆત કર્યા પછી લીડ એક્ટર તરીકે કયામત સે કયામત તક ફિલ્મ કરી હતી, જેના માટે તેમને 11 હજાર રૂપિયા મળ્યા હતા. મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિરે ભલે 45 જેટલી ઓછી ફિલ્મો કરી, પરંતુ ઈન્ડસ્ટ્રીને લગાન, 3 ઈડિયટ્સ અને દંગલ જેવી ઐતિહાસિક ફિલ્મો આપી. તેમની ફિલ્મ દંગલ ભારતીય સિનેમાની પહેલી 2000 કરોડ કમાનારી ફિલ્મ બની, જેનો રેકોર્ડ આજ સુધી કોઈ ફિલ્મ તોડી શકી નથી. આમિર ખાનની નેટવર્થ 1862 કરોડ રૂપિયા છે.

15000 કરોડથી વધુની સંયુક્ત નેટવર્થ

સામાન્ય શરૂઆત કરનારા આ ત્રણેય ખાન પાસે આજે અઢળક સંપત્તિ છે. શાહરૂખના 10,000 કરોડ, સલમાનના 3225 કરોડ અને આમિરના 1862 કરોડ મળીને ત્રણેય ખાનની કુલ નેટવર્થ 15087 કરોડ રૂપિયા થાય છે, જે તેમની 3 દાયકાની અદ્ભુત સફળતા દર્શાવે છે.

આ પણ વાંચો-Bollywoodના પહેલા સુપરસ્ટાર જેમણે આપી હતી સતત 15 સુપરહિટ ફિલ્મો, અક્ષય કુમાર સાથે છે ખાસ સંબંધ!