કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર 12 જૂને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સંજયના અચાનક મૃત્યુથી પરિવારથી લઈ તમામ લોકોને ઉંડો આઘાત લાગ્યો હતો. સંજયના અવસાનને એક મહિનો જ થયો છે અને તેમના પરિવારમાં મિલકતનો વિવાદ શરૂ થયો છે. પરિવારમાં 30 હજાર કરોડની મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન પ્રિયા સચદેવે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું નામ બદલ્યું છે. એટલું જ નહીં, તેણે પોતાનો બાયો પણ બદલી નાખ્યો છે.
સંજય કપૂરના મૃત્યું બાદ પત્ની પ્રિયા સચદેવ ચર્ચામાં
પ્રિયા સચદેવનું ઇન્સ્ટાગ્રામ નામ પહેલા પ્રિયા સચદેવ કપૂર હતું પરંતુ પતિ સંજય કપૂરના મૃત્યુના થોડા અઠવાડિયા બાદ તેણે તેનું નામ બદલીને પ્રિયા સંજય કપૂર રાખ્યું છે. સંજય કપૂરનું પોલો રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે, તેમના ગળામાં અચાનક જ મધમાખી ઘુસી ગઈ અને ગુંગળામણના કારણે અવસાન થયું હતું. ત્યાર બાદ પત્ની પ્રિયા સચદેવ હવે ચર્ચામાં આવ્યા છે.

પ્રિયા સચદેવે બદલ્યો ઇન્સ્ટાગ્રામ બાયો
પ્રિયા સચદેવે ઇન્સ્ટાગ્રામ પર માત્ર પોતાનું નામ જ નહીં પરંતુ પોતાના બાયોમાં પણ ઘણા ફેરફારો કર્યા છે. તેણે પોતાના બાયોમાં લખ્યું હતું કે, 'માતા, ઉદ્યોગસાહસિક, રોકાણકાર, સોના કોમસ્ટારના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઓરિયસ ઇન્વેસ્ટમેન્ટના ડિરેક્ટર, @sunjaykapurના વિઝનને આગળ ધપાવી રહ્યા છીએ.' સોના કોમસ્ટારની વાર્ષિક સામાન્ય સભા પહેલા સંજય કપૂરની માતા રાની કપૂરે દાવો કર્યો હતો કે સોના ગ્રુપમાં તેમનો બહુમતી હિસ્સો છે અને તેઓ જ વાસ્તવિક માલિક છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક લોકો પરિવારનો વારસો હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે સોના ગ્રુપના પ્રતિનિધિ તરીકે કોઈને નિયુક્ત કર્યા નથી. એટલું જ નહીં, રાની કપૂરે એવો પણ દાવો કર્યો છે કે તેમના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. જેના કારણે તેઓ નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, કરિશ્મા કપૂર પણ પોતાનો હિસ્સો માંગી રહી છે પરંતુ તેના પ્રતિનિધિએ હજુ સુધી કોઈ પુષ્ટિ આપી નથી.