મુંબઈના ચેમ્બૂરમાં આવેલું એક નાનું છોલે-ભટૂરેનું રેસ્ટોરન્ટ ક્યારેક બંધ થવાના આરે પહોંચી ગયું હતું. આશરે 18 લાખ રૂપિયાના દેવામાં ડૂબેલા આ રેસ્ટોરન્ટની કહાની આજે આખી બદલાઈ ચૂકી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના છોલે-ભટૂરેના એક ઓર્ડરે આ રેસ્ટોરન્ટનું નસીબ પલટી નાખ્યું. ક્યારેક મહિનાનું આશરે 1 થી 1.5 લાખ રૂપિયાનું વેચાણ કરતું આ રેસ્ટોરન્ટ હવે દર મહિને આશરે 2 કરોડ રૂપિયાનું વેચાણ કરી રહ્યું છે. હવે મુંબઈ અને આસપાસ તેના 4 આઉટલેટ પણ ખૂલી ગયા છે.
કોમેડિયનની સ્ટોરીથી મળ્યો મોટો ફાયદો
હવે બંને ભાઈઓ 4 આઉટલેટ ચલાવી રહ્યા છે. આ રેસ્ટોરન્ટનું નામ દિલ્હી સે છે. તેના માલિક બે ભાઈઓ જસપાલ સિંહ ખાલસા અને મહિન્દર સિંહ ખાલસાએ તાજેતરમાં પિંકવિલા સાથેની વાતચીતમાં આ આખી કહાની જણાવી હતી. તેમણે કહ્યું કે સપ્ટેમ્બર 2022માં સ્ટેન્ડઅપ કોમેડિયન અભિષેક ઉપમન્યુ તેમના ચેમ્બૂરવાળા રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. તેમણે ત્યાં છોલે-ભટૂરે ખાધા અને તેના વખાણ કરતી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી.

કોમેડિયનની પોસ્ટે મચાવી ધૂમ
સપ્ટેમ્બર 2022માં સ્ટેન્ડઅપ કોમેડિયન અભિષેક ઉપમન્યુએ અહીં આવીને છોલે-ભટૂરે ખાધા અને તેના ખૂબ વખાણ કરતી એક સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. અભિષેકની આ પોસ્ટ અનુષ્કા શર્મા સુધી પહોંચી. અનુષ્કા ઘણા સમયથી વિરાટ કોહલી માટે મુંબઈમાં દિલ્હી જેવા અસલી સ્વાદવાળા છોલે-ભટૂરે શોધી રહી હતી.

વિરાટના ઘરેથી આવ્યો ફોન
અનુષ્કાની ટીમે જુહુ માટે 2 પ્લેટ છોલે-ભટૂરે મંગાવવા ચેમ્બુરના રેસ્ટોરન્ટમાં ફોન કર્યો. 240 રૂપિયાના ઓર્ડર સામે ડિલિવરી ખર્ચ 400 રૂપિયા થતો હતો અને સામેથી બેંક ડિટેલ્સ માગવામાં આવી રહી હતી. આથી જસપાલને કોઈ ફ્રોડ હોવાની શંકા ગઈ. વારંવાર ફોન આવ્યા પછી સામેથી કહેવામાં આવ્યું કે આ ફોન વિરાટ કોહલીના ઘરેથી છે. જોકે જસપાલને આ વાત પર વિશ્વાસ ન બેઠો. આખરે બંને ભાઈઓ પોતે ઓર્ડર લઈને પહોંચ્યા અને ત્યાં જઈને ખાતરી થઈ.
અનુષ્કાની પોસ્ટે બદલ્યું નસીબ
5 ઓક્ટોબર 2022ના રોજ અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને લખ્યું કે મુંબઈમાં દિલ્હી જેવા ટેસ્ટી છોલે-ભટૂરેની તેમની શોધ હવે પૂરી થઈ ગઈ છે. આ પોસ્ટ વાયરલ થતાં જ રેસ્ટોરન્ટ બહાર અડધા કલાકમાં જ લોકોની લાંબી લાઈનો લાગી ગઈ. ભીડ એટલી વધી ગઈ કે કંટ્રોલ કરવા માટે પોલીસ બોલાવવી પડી. સામગ્રી ખૂટી પડતાં બંને ભાઈઓએ આસપાસના પાડોશીઓને ઘરમાં છોલે પલાળવાની વિનંતી કરવી પડી હતી. 3 જ દિવસમાં વપરાશ 8 કિલોથી વધીને 100 કિલોએ પહોંચી ગયો.

મહિને 2 કરોડનું ટર્નઓવર
જે રેસ્ટોરન્ટ મહિનાના માંડ 1 થી 1.5 લાખ રૂપિયા કમાતું હતું, તે આજે ચેમ્બુર, મુલુંડ, અંધેરી વેસ્ટ અને વાશીમાં 4 આઉટલેટ્સ ચલાવે છે. રોજના 3000થી વધુ પ્લેટ છોલે-ભટૂરે વેચાય છે અને મહિને આશરે 2 કરોડ રૂપિયાનો બિઝનેસ થાય છે. વિરાટ અને અનુષ્કાના એક સિંગલ ઓર્ડરે આ બંને ભાઈઓની આખી જિંદગી બદલી નાખી.
આ પણ વાંચો-Biggest Flop : 130 કરોડનું બજેટ અને 92%નું નુકસાન! અક્ષય કુમારની ફિલ્મ સુપરફ્લોપ, મેકર્સને મોટો ફટકો!