ઉત્તરાખંડના મંત્રી સુબોધ ઉનિયાલ અને પ્રખ્યાત પંજાબી ગાયક દલેર મહેંદી વચ્ચે એક જાહેર કાર્યક્રમ દરમિયાન થયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. મીકા સિંહ, કપિલ શર્મા અને બાદશાહ બાદ હવે બોલિવૂડના દિલધડક અભિનેતા અનુપમ ખેર પણ દલેર મહેંદીના સમર્થનમાં આગળ આવ્યા છે. મોડી રાત્રે જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં અનુપમ ખેરે સ્ટેજ પર ગાયક સાથે કરાયેલા વર્તન પ્રત્યે ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે.

"દલેર મહેંદી દારૂ નથી પીતા, તેઓ બીમાર છે" – અનુપમ ખેર

અનુપમ ખેરે વીડિયોમાં સ્પષ્ટ કર્યું કે તેમણે પોતે ઘટનાસ્થળે શું બન્યું તે જોયું નથી, પરંતુ છેલ્લા ૨૦-૩૦ વર્ષના વ્યક્તિગત અનુભવના આધારે તેમણે દલેર મહેંદીના પાત્રનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું, "જ્યાં સુધી હું જાણું છું, દલેર મહેંદી દારૂ પીતા નથી. તેઓ અત્યાર સુધી મળેલી સૌથી ભલી વ્યક્તિઓમાંના એક છે." આ ઉપરાંત, તેમને મિત્ર ડૉ. જુલ મારફતે જાણવા મળ્યું છે કે દલેર મહેંદી છેલ્લા બે-ત્રણ વર્ષથી બીમાર છે અને તાજેતરમાં જ તેમની સર્જરી થઈ છે. તબિયત ખરાબ હોવા છતાં આયોજકોને આપેલું વચન પાળવું તેમની વ્યાવસાયિકતા દર્શાવે છે.

લિપ-સિંક મુદ્દે જાહેરમાં અપમાન કરવું ખોટું

કાર્યક્રમ દરમિયાન લિપ-સિંકિંગ (ડબિંગ) થયું હોવાની શક્યતા સ્વીકારતા ખેરે ભારપૂર્વક કહ્યું કે, "તેમણે કદાચ લિપ-સિંક કર્યું પણ હોય, તો પણ પ્રેક્ષકોની સામે સ્ટેજ પર તેમની સાથે આ રીતે વર્તન કરવું કોઈપણ સંજોગોમાં યોગ્ય ન ગણાય. દલેરજી સાથે જે થયું તેનું મને ખૂબ દુઃખ છે." વધુમાં તેમણે કહ્યું કે સારા લોકો સાથે જ આવું કેમ થાય છે. મંત્રીજીના દલેરજી સાથે આવા વર્તનથી મને ખૂબ થાય છે.

https://x.com/AnupamPKher/status/2112655582671093801?

મંત્રી સુબોધ ઉનિયાલને સીધો સવાલ

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રી સુબોધ ઉનિયાલને સીધા સંબોધીને અનુપમ ખેરે સવાલ ઉઠાવ્યો હતો: "મંત્રીજી, જો તમને તેમના પ્રદર્શનથી કોઈ ફરિયાદ હતી કે ગુસ્સો હતો, તો શું તેમને બધાની સામે સ્ટેજ પર આ રીતે અપમાનિત કરવાની જરૂર હતી? આવા મુદ્દાઓ પર બંધ બારણે ખાનગીમાં અને આદરપૂર્વક પણ વાત થઈ શકી હોત."

ફિલ્મ ઉદ્યોગને એક થઈને અવાજ ઉઠાવવા અપીલ

અનુપમ ખેરે સમગ્ર મનોરંજન ક્ષેત્રના કલાકારોને દલેર મહેંદીના પક્ષમાં બોલવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, "આપણા ઉદ્યોગે આ વિષય પર ચર્ચા કરવી જોઈએ. દલેરજીનો બચાવ કરવાની જવાબદારી માત્ર તેમના ભાઈ મીકા સિંહની જ નથી." સંદેશના અંતમાં તેમણે દલેર મહેંદી માટે પ્રેમ અને આદર વ્યક્ત કરતા તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

વિવાદનું મૂળ શું હતું?

ઉત્તરાખંડના ટિહરી સ્થિત નરેન્દ્ર નગરમાં આયોજિત કુંજપુરી મેળાના નવરાત્રી કાર્યક્રમ દરમિયાન આ વિવાદ ઊભો થયો હતો. વાયરલ વીડિયોમાં ઉત્તરાખંડના મંત્રી સુબોધ ઉનિયાલ સ્ટેજ પર પહોંચીને ગાયકની ક્ષમતા પર સવાલ ઉઠાવતા અને પરફોર્મન્સ રોકવા કહેતા જોવા મળ્યા હતા. મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે પવિત્ર કાર્યક્રમમાં ગાયક નશાની હાલતમાં આવ્યા હતા, જેને મીકા સિંહે સખત શબ્દોમાં નકારી કાઢ્યો હતો અને દલેર મહેંદીની ગંભીર બીમારી વિશે સ્પષ્ટતા કરી હતી.