હાલમાં બોલિવૂડની ઘણી કલ્ટ ફિલ્મોની સિક્વલ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કેટલીક ફિલ્મોની સિક્વલની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, તો કેટલીક ફિલ્મોને લઈને નિર્માતાઓ હજુ પણ મૂંઝવણમાં છે.

આ દરમિયાન અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘ધડકન’ ફરી ચર્ચામાં આવી છે. આ ફિલ્મનાં એક પછી એક ગીતો અને ડાયલોગ આજે પણ ચાહકોને યાદ છે. વર્ષ 2000માં રિલીઝ થયેલી આ રોમેન્ટિક ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે ‘ધડકન 2’ બનાવવાની તૈયારીઓ તેજ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

તાજેતરમાં એક અહેવાલ અનુસાર, નિર્માતાઓ આ સુપરહિટ ફિલ્મના બીજા ભાગ પર કામ કરી રહ્યા છે. જોકે, નવી ફિલ્મમાં જૂની જોડી જોવા નહીં મળે. તેના બદલે એકદમ નવા અને ફ્રેશ કલાકારોને લેવાની યોજના બનાવવામાં આવી રહી છે. એટલે કે અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી આ સિક્વલનો ભાગ નહીં હોય.

શું ‘ધડકન 2’માં સુનીલ શેટ્ટીની થશે વાપસી?

આ અહેવાલમાં મૂળ ફિલ્મમાં ‘દેવ’ના પાત્રથી દર્શકોનાં દિલ જીતનાર સુનીલ શેટ્ટીના ચાહકો માટે સારા સમાચાર પણ સામે આવ્યા છે. કહેવાય છે કે તેઓ આ ફિલ્મમાં ફરી જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, ‘ધડકન 2’માં સુનીલ શેટ્ટીને એક ખાસ કેમિયો રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

ફિલ્મની વાર્તા આજના સમયના સંબંધો, પ્રેમ અને દિલ તૂટવા જેવી લાગણીઓની આસપાસ વણવામાં આવશે. આવી સ્થિતિમાં સુનીલ શેટ્ટીની એન્ટ્રી ફિલ્મના ચાહકો માટે મોટું સરપ્રાઇઝ બની શકે છે.

મૂળ ફિલ્મનું દિગ્દર્શન ધર્મેશ દર્શને કર્યું હતું. જોકે, સિક્વલ માટે દિગ્દર્શક બદલવાની ચર્ચા છે. અહેવાલો અનુસાર, ‘ટોયલેટ: એક પ્રેમ કથા’ અને ‘બત્તી ગુલ મીટર ચાલુ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા શ્રી નારાયણ સિંહ આ ફિલ્મનું દિગ્દર્શન કરી શકે છે.

‘ધડકન 2’ની જવાબદારી સોંપવા માટે તેમનું નામ વિચારણા હેઠળ હોવાનું કહેવાય છે. હાલમાં આ પ્રોજેક્ટને લઈને નિર્માતાઓ અને તેમની વચ્ચે પ્રાથમિક વાતચીત ચાલી રહી છે.

‘ધડકન 2’નું કેટલું કામ પૂર્ણ થયું?

હાલમાં ‘ધડકન 2’ની તૈયારી પ્રી-પ્રોડક્શન અને સ્ક્રિપ્ટિંગના પ્રારંભિક તબક્કામાં છે. મુખ્ય ભૂમિકાઓ માટે નવા કલાકારોની શોધ ચાલી રહી છે. કાસ્ટિંગ અંગે હજુ સુધી કોઈ નિર્ણય અંતિમ થયો નથી.

પ્રોડક્શન હાઉસ તરફથી પણ આ પ્રોજેક્ટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:6 મહિનાના થયા દિવ્યાંકા-વિવેકના લાડલા! દીકરાઓની અલગ-અલગ ખાસિયતો જણાવી એક્ટ્રેસે લખી ઇમોશનલ નોટ