બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ છે. અભિનેતા નાદુરસ્ત તબિયતના કારણે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરમિયાન ગઈકાલે ધર્મેન્દ્રની તબિયત વધુ ગંભીર હોવાને લઈને અફવાઓનું બજાર ગરમ હતું. જેના કારણે તેમના ચાહકો અને પ્રશંસકોમાં ચિંતાનો વિષય બન્યો છે. તેને લઈને આજે ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલની ટીમ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું. જેમાં લોકોને અપીલ કરવામાં આવી કે તેઓ કોઈ અફવાઓ પર ધ્યાન ના આપે.
સની દેઓલની ટીમની લોકોને અપીલ
સની દેઓલની ટીમે વધુમાં ધર્મેન્દ્ર હેલ્થ પર અપડેટ આપતા કહ્યું કે તેમની તબિયત અત્યારે સ્થિર છે અને તેઓ હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ છે. વધુ અપડેટ્સ ઉપલબ્ધ થતાં જ શેર કરવામાં આવશે. કૃપા કરીને તેમના સ્વાસ્થ્ય વિશે ખોટી અફવાઓ ફેલાવવાનું ટાળો. દરેકને વિનંતી છે કે તેઓ તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરે અને પરિવારની ગોપનીયતાનો આદર કરે." અભિનેત્રી અમીષા પટેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરવામાં આવી છે.
હેમામાલિનીની ભાવુક પોસ્ટ
જયારે ધર્મેન્દ્રની પત્ની અને ભાજપ સાંસદ હેમામાલીનીએ પણ આજે ભાવુક પોસ્ટ કરી લોકોને અફવા પર ધ્યાન ના આપવા કહ્યું. ભાજપ સાંસદ હેમા માલિનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "ધરમજી પ્રત્યેની ચિંતા બદલ હું બધાનો આભાર માનું છું. તેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે અને અમે બધા તેમની સાથે છીએ. હું તમને બધાને વિનંતી કરું છું કે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરો."
હોસ્પિટલમાં સારવાર હેઠળ ધર્મેન્દ્ર
બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ ધર્મેન્દ્રને મળવા ગઈકાલે બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલ હોસ્પિટલમાં પહોંચી હતી. જયારે હોસ્પિટલ છોડતી વખતે તાન્યા વધુ દુઃખી નજરે પડી હતી. આ ઉપરાંત બોલીવુડ સેલેબ્સમાંથી સલમાન ખાન, શાહરૂખ ખાન અને અમીષા પટેલ હોસ્પિટલમાં ધર્મેન્દ્રને મળવા ગયા હતા. અમીષા કારમાં બેસતી વખતે ભાવુક દેખાઈ હતી. જણાવી દઈએ કે સોમવારે વહેલી સવારે, સની દેઓલ, રાજવીર દેઓલ, કરણ દેઓલ, હેમા માલિની અને એશા દેઓલે પણ હોસ્પિટલમાં ધર્મેન્દ્રને મળવા ગયા હતા. અને તેમના ચહેરા પર જોવા મળેલ ઉદાસી ફેન્સ માટે ચિંતાનો વિષય બની હતી.