રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર મેળવેલી મજબૂત સફળતા બાદ હવે કલાકારો પોતાના આગામી પ્રોજેક્ટ્સ તરફ આગળ વધી રહ્યા છે. રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ 'પ્રહાર' ના કામમાં વ્યસ્ત છે, જ્યારે 'ધુરંધર' માં પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી ચાહકોના દિલ જીતનારી અભિનેત્રી સારા અર્જુન નું નામ નવી મોટો બજેટ ફિલ્મો સાથે જોડાઈ રહ્યું છે. હવે ચર્ચા છે કે તે મેગા પાવરસ્ટાર રામ ચરણની બહુચર્ચિત ફિલ્મ 'RC17' નો મહત્વનો ભાગ બની શકે છે.
ઈજામાંથી સાજા થયા બાદ રામ ચરણનું કમબેક
દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રામ ચરણ હાલમાં તેમની ફિલ્મ 'પેડ્ડી' ની રિલીઝ બાદ બ્રેક પર છે. ઈજા અને સર્જરીમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ તેઓ દિગ્દર્શક સુકુમાર સાથેની તેમની આગામી ફિલ્મ 'RC17' ના શૂટિંગની તૈયારીઓ શરૂ કરશે. હાલમાં રામ ચરણ આ ફિલ્મ માટે પોતાના નવા લુક પર કામ કરી રહ્યા છે. ચર્ચા છે કે દશેરાના પવિત્ર તહેવાર પર ફિલ્મનું ગ્રાન્ડ લોન્ચિંગ થઈ શકે છે અને ડિસેમ્બર મહિનાથી તેનું શૂટિંગ વિધિવત રીતે શરૂ થશે.
'RC17' માં સારા અર્જુનની એન્ટ્રી અંગેની અટકળો
Telugu360.com ના એક અહેવાલ મુજબ, દિગ્દર્શક સુકુમારે ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ કરી લીધી છે અને પ્રી-પ્રોડક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મ માટે મુખ્ય અભિનેત્રી તરીકે સારા અર્જુનની પસંદગી લગભગ નક્કી માનવામાં આવી રહી છે. 'ધુરંધર' ની મોટી સફળતા બાદ સારાએ સ્ક્રિપ્ટની ખૂબ જ કાળજીપૂર્વક પસંદગી કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેને 'RC17' ની સ્ક્રિપ્ટ પસંદ આવતા તેણે આ ફિલ્મ માટે પોતાની સંમતિ આપી દીધી છે.
મ્યુઝિક અને રિલીઝ પ્લાનિંગની તૈયારીઓ
'RC17' ના મ્યુઝિક કંપોઝર તરીકે અનિરુદ્ધ રવિચંદર અને શાશ્વત સચદેવ સાથે વાતચીત ચાલી રહી છે, જે અંગે ટૂંક સમયમાં અધિકૃત જાહેરાત કરવામાં આવશે. મૈત્રી મૂવી મેકર્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ બિગ બજેટ લેવલે તૈયાર કરવામાં આવશે અને તે વર્ષ 2028માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની ધારણા છે.
'પેડ્ડી' ફિલ્મનો પ્રતિસાદ
ઉલ્લેખનીય છે કે રામ ચરણની ફિલ્મ 'પેડ્ડી' એ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો, પરંતુ ફિલ્મમાં જાહ્નવી કપૂરના પાત્ર અને તેના પ્રેઝન્ટેશનને લઈને નિર્માતાઓને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : Sunny Deol: સની દેઓલની ક્રાઇમ થ્રિલર ફિલ્મનું પોસ્ટર રિલીઝ, રવિ કિશનની પણ ખાસ ભૂમિકા