રણવીર સિંહ અભિનીત અને આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ધુરંધરએ દેશ અને દુનિયાભરમાં બ્લોકબસ્ટર સફળતા મેળવી હતી. આ ફિલ્મ 10 જુલાઈના રોજ જાપાનમાં રિલીઝ થઈ હતી, પરંતુ ત્યાં દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવામાં નિષ્ફળ રહી છે. જાપાનમાં ફિલ્મની ઓપનિંગ ખૂબ જ નબળી રહી છે.
જાપાનમાં ધુરંધરની રહી ફીકી ઓપનિંગ
જાપાનમાં ધુરંધરને મોટો ઝટકો લાગ્યો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ મોટા બજેટની એક્શન ડ્રામા ફિલ્મને 10 જુલાઈના રોજ દેશભરમાં લગભગ 80 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. ટ્રેડ રિપોર્ટ્સ મુજબ, પહેલા દિવસે 900થી પણ ઓછા દર્શકોએ આ ફિલ્મ જોઈ હતી.
જબરદસ્ત પ્રમોશન છતાં જાપાનમાં દર્શકોનો ન મળ્યો સાથ
જાપાનના બજારમાં ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરવામાં આવ્યું હતું. તેમ છતાં, જાપાનના બોક્સ ઓફિસ પર ફિલ્મ પહેલા જ દિવસે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. આ સાથે જ તે જાપાનમાં કોઈપણ ભારતીય ફિલ્મની સૌથી નબળી ઓપનિંગમાંની એક બની ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે ફિલ્મ પહેલા દિવસે Top 25 ફિલ્મોમાં પણ સ્થાન બનાવી શકી નહોતી. રિલીઝના વ્યાપને જોતા શરૂઆતના આંકડા ટ્રેડ માટે મોટા આશ્ચર્ય સમાન રહ્યા છે. રિલીઝ પહેલાં ફિલ્મ પાસેથી સારી અપેક્ષાઓ રાખવામાં આવી હતી. જોકે, જાપાનના દર્શકોને આ ફિલ્મ પસંદ આવી નહીં, જેના કારણે મોટાભાગના સ્થળોએ ખૂબ જ ઓછા લોકો ફિલ્મ જોવા પહોંચ્યા.
ધુરંધર ફ્રેન્ચાઇઝીએ વૈશ્વિક સ્તરે મચાવી હતી ધૂમ
જાપાનમાં ફિલ્મની નબળી શરૂઆત તેની વૈશ્વિક સફળતાથી એકદમ વિપરીત છે. ડિસેમ્બર 2025માં ભારતમાં રિલીઝ થયેલી ધુરંધર અને માર્ચ 2026માં રિલીઝ થયેલી તેની સિક્વલ ધુરંધર: ધ રિવેન્જ એ મળીને વિશ્વભરમાં 3 હજાર કરોડથી વધુની કમાણી કરી હતી. આ સાથે આ સ્પાય થ્રિલર ફ્રેન્ચાઇઝી આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની હતી. ફ્રેન્ચાઇઝીની અગાઉની સફળતાએ જાપાનમાં તેની રિલીઝને લઈને મોટી અપેક્ષાઓ જગાવી હતી, પરંતુ હવે તે અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે.
જાપાનમાં 'ધુરંધર'ની શરૂઆત કેમ રહી ફીકી?
જાપાનમાં RRR અને સાહો જેવી અનેક ભારતીય ફિલ્મોએ સફળતા મેળવી હતી અને ઓપનિંગ ડે પર મોટી સંખ્યામાં દર્શકોને આકર્ષ્યા હતા. તેની સામે ધુરંધરની શરૂઆત પુષ્પા 2 જેવી જ ધીમી રહી. પુષ્પા 2ને પણ રિલીઝ પહેલાં જબરદસ્ત ચર્ચા મળી હતી, છતાં પહેલા દિવસે 900થી ઓછા દર્શકો જ ફિલ્મ જોવા પહોંચ્યા હતા. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે જાપાનના બજારમાં વૈશ્વિક લોકપ્રિયતાને બોક્સ ઓફિસની સફળતામાં ફેરવવી હજુ પણ એક મોટો પડકાર છે.
આ પણ વાંચો-Samantha Ruth Prabhuની મા ઇન્ટિ બંગારમ બની સુપરહિટ, 100 કરોડ ક્લબમાં કરી શાનદાર એન્ટ્રી!