પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. ગુજરાતના અમદાવાદમાં 21 નવેમ્બરે યોજાનારા તેમના લાઇવ કોન્સર્ટ પહેલાં જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીએ પોલીસ કમિશનરને પત્ર લખીને કેટલીક પાબંદીઓ લગાવવાની માગ કરી છે.

અધિકારીએ દિલજીતને દારૂ, નશા અને હિંસાને પ્રોત્સાહન આપતાં ચાર ગીતો ન ગાવા માટે કહ્યું છે. આ ઉપરાંત કોન્સર્ટ દરમિયાન મોટા અવાજે સંગીત, ઝગમગતી લાઇટ્સ અને બાળકોને સ્ટેજ પર બોલાવવા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસ કમિશનરને લખેલા પત્રમાં ખાસ ચાર ગીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ‘પટિયાલા પેગ’, ‘5 તારા ઠેકે’, ‘જેબ વિચો ફીમ’ અને ‘જટ્ટ ફાયર કરદા’નો સમાવેશ થાય છે.

બાળ સંરક્ષણ અધિકારીનું કહેવું છે કે આ ગીતોના શબ્દોમાં દારૂ, અફીણ, નશીલા પદાર્થો અને હથિયારોનો ઉલ્લેખ છે, જેની બાળકો અને યુવાનો પર નકારાત્મક અસર પડી શકે છે. આ ગીતો બદલાયેલા શબ્દો સાથે પણ ન ગાવા જોઈએ તેવી માગ કરવામાં આવી છે.

15 નવેમ્બરે ઈન્દોરમાં પણ પરફોર્મ કરશે દિલજીત

બીજી તરફ, દિલજીત 15 નવેમ્બરે ઈન્દોરમાં પણ પરફોર્મ કરવાના છે. તેમના કોન્સર્ટ પહેલાં શહેરની ત્રણ બેંકો અને મેયર સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. ઈમેલ પંજાબી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખવામાં આવ્યા છે.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. જે સ્થળોને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે, ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મેયર સચિવાલયની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે સમગ્ર પરિસરની તપાસ કરી હતી. ટીમે સુરક્ષાને લગતા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, ધમકીભર્યા ઈમેઇલમાં બંધન બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક અને ઈન્દોરના મેયર સચિવાલયને નિશાન બનાવવાની વાત કહેવામાં આવી છે. ઈમેઇલ મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ મેયર સચિવાલય પહોંચી હતી અને સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ કરી હતી.

આ મામલે ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે જણાવ્યું હતું કે, કેટલાક લોકો સારાં કામોમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આવી ધમકીઓથી કંઈ હાંસલ થવાનું નથી. આ પ્રકારની ધમકીઓથી શહેરમાં યોજાનારા કાર્યક્રમો અને વિકાસલક્ષી કામો પર કોઈ અસર નહીં થાય.

ઈમેઇલ દ્વારા મળી ધમકીઓ

બીજી તરફ, પોલીસ અધિકારી રાજેશ દંડોતિયાએ જણાવ્યું હતું કે, ચાર અલગ-અલગ સ્થળોને નિશાન બનાવી ઈમેઇલ દ્વારા ધમકીઓ આપવામાં આવી છે. પોલીસ આ ઈમેઇલની તપાસ કરી રહી છે અને ધમકી મોકલવા માટે ઉપયોગમાં લેવાયેલા ઈમેઇલ આઈડીની ઓળખ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, ધમકીભર્યા સંદેશા ક્યાંથી મોકલવામાં આવ્યા હતા અને તેની પાછળ કોણ લોકો છે, તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d