બોલીવુડમાં "હમ દિલ દે ચૂકે સનમ"થી લઈને 'પદમાવત' જેવી ફિલ્મો બનાવનાર સંજય લીલા ભણસાલી આજે ચર્ચામાં છે. ફિલ્મી વર્તુળોમાં ચર્ચા મુજબ સંજય લીલા ભણસાલી ફરી એક ઐતિહાસિક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સંજય લીલા ભણસાલી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ડાયેરક્ટર કેતન મહેતાન સાથે એક ફિલ્મ બનાવશે. આ ફિલ્મનું નામ "જય સોમનાથ" છે, જે લોકોને ઇતિહાસના એવા સમયગાળામાં લઈ જશે જે દરેક ભારતીયને ગર્વ અનુભવ કરાવશે. ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત કોઈ મોટી ફિલ્મ પર બે દિગ્ગજ સંજય લીલા ભણસાલી અને કેતન મહેતા સાથે કામ કરશે.
સંજય લીલા ભણસાલી ફરી ઇતિહાસ રચશે
'પદમાવત' બાદ સંજય લીલા ભણસાલી ફરી ઇતિહાસ રચશે તેવી ફિલ્મ વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે "જય સોમનાથ" ફિલ્મ ભારતમાં પ્રથમ જ્યોર્તિલિંગ તરીકે પૂજાતા સોમનાથ મંદિર પર બની રહી છે. આ ફિલ્મની વાર્તા 1025-1026 ના સમયગાળાની આસપાસ સેટ કરવામાં આવી છે. જ્યારે ગઝનીના મહમૂદે ગુજરાતના સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને લૂંટ ચલાવી હતી. આ ઘટના ભારતીય ઇતિહાસમાં વિનાશ પછી ફરીથી ઉદય પામવાની શક્તિના ઉદાહરણ તરીકે અંકિત છે. આ વર્ષે આ ઐતિહાસિક હુમલા અને મંદિરના વિનાશની 1000મી વર્ષગાંઠ છે. આ ફિલ્મ દ્વારા સંજય લીલા ભણસાલી રાષ્ટ્રને તેની સભ્યતા અને હિંમતની યાદ અપાવશે. મોટા પડદા પર લાવશે "જય સોમનાથ".
