બોલીવુડ સુપરસ્ટાર ઋતિક રોશનની બહેન સુનૈના રોશને તાજેતરમાં જ પોતાના જીવનના સૌથી ભયાનક અને મુશ્કેલ સમયને યાદ કરીને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક ભાવુક પોસ્ટમાં તેણીએ જણાવ્યું કે, વજન ઘટાડવાના એક શોર્ટકટ એટલે કે 'ક્રેશ ડાયેટ'ના કારણે તેની તબિયત એટલી હદે બગડી ગઈ હતી કે તે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. આ મુશ્કેલ સમયમાં તેનો ભાઈ ઋતિક રોશન આખી રાત મંદિરમાં બેસીને બહેનના જીવ માટે પ્રાર્થના કરી રહ્યો હતો. ભાઈ-બહેનના અતૂટ પ્રેમની આ વાર્તા હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે.
બોલીવુડ અભિનેતા ઋતિક રોશન થયો ભાવુક
અભિનેતા ઋતિક રોશન પોતાની ખાસ વ્યક્તિ એટલે કે બહેન સુનૈના ખરાબ સ્વાસ્થ્યના કારણે ભાંગી પડયો હતો. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુનૈના રોશને એક વિડીયો શેર કરીને વર્ષ ૨૦૦૧ની આ ઘટના પરથી પડદો ઉઠાવ્યો છે. તેણીએ કેપ્શનમાં લખ્યું: "2001 માં, ક્રેશ ડાયેટ મને એવા રસ્તે લઈ ગયો જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આનાથી મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય આવ્યો, જેણે મને એક એવો પાઠ શીખવ્યો જે હું ક્યારેય ભૂલીશ નહીં. હંમેશા યોગ્ય પોષણ અને ધીરજનો માર્ગ પસંદ કરો." સુનૈનાએ જણાવ્યું કે વજન ઘટાડવાની ઘેલીછામાં તેણીએ એવો આહાર શરૂ કર્યો હતો જેમાં તે માત્ર ફળો, જ્યુસ, કૂકીઝ અને પાણી પર જ નિર્ભર રહેતી હતી. આ ભૂલના કારણે તેની રોગપ્રતિકારક શક્તિ (Immunity) સંપૂર્ણપણે નાશ પામી અને તે સીધી હોસ્પિટલના પલંગ પર પહોંચી ગઈ.
"ડોક્ટરોએ હાથ અધ્ધર કરી દીધા હતા, ભાઈએ આખી રાત મંદિરમાં વિતાવી"
ઋતિકની બહેન સુનૈનાએ જણાવ્યું કે, "હું હોસ્પિટલમાં બે થી ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે બેભાન હતી. ડોક્ટરોએ મારા પરિવારને સ્પષ્ટ કહી દીધું હતું કે આ સ્થિતિના કારણે લકવો થઈ શકે છે, આંખોની રોશની જઈ શકે છે અથવા દર્દી કાયમ માટે કોમામાં જઈ શકે છે." આગળ ઉમેર્યું કે, "જ્યારે હું હોસ્પિટલમાં જીવન સામે લડી રહી હતી, ત્યારે મારો ભાઈ (ઋતિક રોશન) ખૂબ ગભરાઈ ગયો હતો. તે આખી રાત મંદિરમાં બેસીને મારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો. ડોક્ટરોના જણાવ્યા મુજબ, મારા હોશમાં આવવાની પહેલી નિશાની એ હતી કે હું ખોરાક માંગુ. ઘણા દિવસોના ઈન્તજાર બાદ જ્યારે મેં પહેલીવાર ખોરાક માંગ્યો, ત્યારે મારા આખા પરિવારમાં ફરીથી જીવ આવ્યો." સુનૈનાને એક મહિનો હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું અને આગામી ૪ મહિના સુધી ભારે દવાઓ સાથે ઘરમાં જ કેદ રહેવું પડ્યું હતું.
દીકરીની હિંમત જોઈ માતા-પિતા પણ ભાવુક થયા
સુનૈનાની આ પોસ્ટ જોઈને રોશન પરિવાર પણ ભારે ભાવુક થઈ ગયો હતો. તેના પિતા અને દિગ્ગજ ફિલ્મમેકર રાકેશ રોશને દીકરીને પ્રોત્સાહિત કરતા લખ્યું, "આ અનુભવ શેર કરીને, તમે ઘણા લોકોને હિંમત આપી રહ્યા છો." જ્યારે તેની માતા પિંકી રોશને ભાવુક કમેન્ટ કરતા લખ્યું, "૨૫ વર્ષ પછી તમારી આ વાર્તાને ફરીથી જીવવી મારા માટે ખૂબ જ મુશ્કેલ અને ભાવનાત્મક છે. તમે માનસિક અને શારીરિક રીતે આ લડાઈ કેટલી મજબૂતીથી લડી! ત્રણ અઠવાડિયાની આકરી સારવાર પછી ડૉ. ફારૂક ઉદવાડિયાએ કહ્યું હતું કે તું હવે ખતરાની બહાર છે. મને તારી હિંમત અને જીવવાની ઇચ્છા પર ગર્વ છે."
આ પણ વાંચો : Alia Bhattની આલ્ફા છે હોલીવુડ ફિલ્મની COPY? સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો!