બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડિસોઝાએ તાજેતરમાં પોતાની આધ્યાત્મિક યાત્રા વિશે ખુલાસો કર્યો છે. હિન્દુ પરિવારમાં જન્મેલા રેમોએ પછી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો, પરંતુ આજે તેઓ દરેક ધર્મને સમાન માન આપે છે. રેમો ડિસોઝા, જેમનું મૂળ નામ રમેશ ગોપી નાયર હતું, તેમનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેઓ ધાર્મિક વાતાવરણમાં ઉછર્યા હતા. જોકે જીવનના એક તબક્કે તેમને ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષણ થયું અને તેમણે ધર્મ પરિવર્તન કરવાનો નિર્ણય લીધો.
તેમની આધ્યાત્મિક સફર વિશે ખુલ્લેઆમ વાત
તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં રેમો અને તેમની પત્ની લિઝેલે તેમની આધ્યાત્મિક સફર વિશે ખુલ્લેઆમ વાત કરી. લિઝેલનો જન્મ કેથોલિક પરિવારમાં થયો હતો અને તે પોતાની પરંપરાઓનું પાલન કરતી આવી છે. છતાં, છેલ્લા કેટલાક વર્ષોમાં તે હિન્દુ ધર્મ તરફ પણ આકર્ષાઈ છે.
ગણેશજી, શિવજી, માતા મેરી અને બુદ્ધની મૂર્તિઓ
લિઝેલે જણાવ્યું કે તેમના ઘરમાં ગણેશજી, શિવજી, માતા મેરી અને બુદ્ધની મૂર્તિઓ છે. તેઓ બધા ધર્મોમાં વિશ્વાસ રાખે છે અને દરેક પરંપરાને માન આપે છે. લિઝેલે કહ્યું કે છેલ્લા 25 વર્ષથી તેમના ઘરમાં ગણપતિ સ્થાપિત થાય છે અને છેલ્લા 4-5 વર્ષમાં, ખાસ કરીને તેમના માતા-પિતાના નિધન પછી, તેઓ વધુ આધ્યાત્મિક બની છે. ધર્મ પરિવર્તન વિશે રેમોએ કહ્યું કે જ્યારે તેમણે પોતાના માતા-પિતાને જણાવ્યું કે તેઓ ખ્રિસ્તી ધર્મ અપનાવવા માંગે છે, ત્યારે તેમના માતા-પિતાએ કોઈ દબાણ કર્યું નહોતું. રેમોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેમના માતા-પિતા આટલા સમજદાર અને સ્વીકારશીલ હતા.
થોડો મતભેદ થયો હતો
જો કે, એક પ્રસંગે થોડો મતભેદ થયો હતો જ્યારે તેમના પ્રથમ દીકરાનો જન્મ થયો. રેમો અને લિઝેલે તેમના દીકરાનું નામ “એડોનિસ” રાખ્યું, જે ખ્રિસ્તી પૃષ્ઠભૂમિ ધરાવે છે. પરંતુ રેમોના માતા-પિતા માટે તેનો ઉચ્ચાર કરવો મુશ્કેલ હતો. તેથી દીકરાને “ધ્રુવ” નામ પણ અપાયું. આજે તેમનો દીકરો મોટો થઈ ગયો છે અને તેણે “એડોનિસ” નામ પસંદ કર્યું છે. રેમોએ વધુમાં જણાવ્યું કે તેમના પિતાએ માત્ર એક જ શરત મૂકી હતી – “મારું નામ ના બદલો.” એટલે જ આજે તેઓ રેમો ગોપી ડિસોઝા તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો : Jaipur : ગુગલ મેપ્સથી પોશ વિસ્તાર શોધી 25 લાખની ચોરી! જાણો આખો મામલો