બોલિવૂડ અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી શહેનાઝ ગિલ આજે લાખો લોકોના દિલ પર રાજ કરે છે. 'બિગ બોસ ૧૩' થી દેશભરમાં ઘરે-ઘરે જાણીતી બનેલી શહેનાઝે ભલે એ શોની ટ્રોફી ન જીતી હોય, પરંતુ પોતાની ક્યૂટ અને ચુલબુલી સ્ટાઇલથી તેણે વિરાટ ફેન ફોલોઇંગ ઊભી કરી છે. જોકે, આ સફળતા પાછળ તેની વર્ષોની સખત મહેનત અને અણનમ સંઘર્ષ રહેલો છે, જેનો ખુલાસો તેણે તાજેતરમાં જ કર્યો છે.

શહેનાઝ ગિલ, મફતમાં કર્યું કામ..

એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા શહેનાઝે ભાવુક થઈને જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં તેણે ઈન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવવા અને પોતાને સાબિત કરવા માટે મફતમાં પણ ઘણું કામ કર્યું હતું. પરંતુ અફસોસની વાત એ રહી કે આટલી મહેનત છતાં તેને જે સન્માન અને કદર મળવી જોઈતી હતી, તે ક્યારેય ન મળી.

હવે ફિ માટે લડવું પડે છે, શહેનાઝ

આજે ઘણી મોટી બ્રાન્ડ્સ, ફિલ્મો અને મ્યુઝિક વિડિયોઝનો ચહેરો બની ચૂકેલી શહેનાઝે ફી મુદ્દે પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા. તેણે કહ્યું: "જીવનમાં પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પૈસાથી જ આદર મળે છે. આજે જ્યારે હું મારી મહેનત મુજબ ફી માંગું છું, ત્યારે ક્યારેક મને પૂરા પૈસા મળે છે તો ક્યારેક નથી મળતા. પરંતુ દરેક વ્યક્તિએ પોતાના હક માટે અવાજ ઉઠાવવો જોઈએ. મેં અહીં પહોંચવા માટે ખુદ મહેનત કરી છે." તેણે વધુમાં ઉમેર્યું કે હવે તે ફી વગર કામ કરવા તૈયાર નથી, કારણ કે ભૂતકાળમાં મફતમાં કામ કરવા છતાં તેને કોઈએ કદર કરી નહોતી. જોકે, તેણે સ્પષ્ટ કર્યું કે જો ફિલ્મની સ્ટોરી ખરેખર શાનદાર હશે, તો તે ફી બાબતે થોડું સમાધાન કરવા તૈયાર છે.

આત્મસન્માન સાથે ક્યારેય કોઈ સમાધાન નહીં

ઈન્ડસ્ટ્રીમાં પોતાની સફર અને આગળ વધવાની કળા વિશે વાત કરતા શહેનાઝે સ્વીકાર્યું કે, તેનામાં અન્ય લોકોને મનાવીને કે બટરિંગ કરીને કામ મેળવવાની આવડત નથી, અને તે આ કળા શીખવા માંગે છે. તેમ છતાં, તેને એ વાતનો ગર્વ છે કે તેણે મોટા બેનર કે મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કરવા માટે ક્યારેય પોતાના આત્મસન્માન (Self-Respect) સાથે સમાધાન નથી કર્યું. જો કોઈ પ્રોજેક્ટમાં તેને યોગ્ય માન-સન્માન ન મળે, તો તે ગમે તેટલી મોટી તક હોય તો પણ તેને સ્વીકારતી નથી.


આ પણ વાંચો : Thalapathy Vijay : 246 કરોડની ધમાકેદાર કમાણી બાદ જન નાયકનને મોટો ઝટકો! છઠ્ઠા દિવસે થયું કરોડોનું નુકસાન!