બોલીવુડના જાણીતા દેઓલ પરિવાર સાથે સંબંધ ધરાવતી એક્ટ્રેસ ઈશા દેઓલ આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે. ઈશા દેઓલે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તેને ધારી સફળતા ન મળી. ઈશાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેનું દિલ પોતાના બાળપણના મિત્ર પર આવ્યું હતું. જોકે લગ્નના ઘણા વર્ષો પછી બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા.

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી

ઈશા દેઓલનો જન્મ ભારતીય સિનેમાના 2 દિગ્ગજ સિતારાઓ ધર્મેન્દ્ર અને સદાબહાર અદાકારા હેમા માલિનીના ઘરે 2 નવેમ્બર 1981ના રોજ મુંબઈમાં થયો હતો. ઈશા ધર્મેન્દ્ર અને હેમાની મોટી પુત્રી છે. માતાપિતાના રસ્તે ચાલીને ઈશાએ પણ એક્ટિંગની દુનિયા પસંદ કરી હતી.

Esha Deol, Dharmendra Hema Malini (1)

2002માં કર્યું બોલીવુડ ડેબ્યુ

ઈશા દેઓલે બોલીવુડમાં એક્ટ્રેસ તરીકે પોતાની કેરિયરની શરૂઆત ફિલ્મ કોઈ મેરે દિલ સે પૂછે થી કરી હતી. વર્ષ 2002માં રિલીઝ થયેલી આ ફિલ્મ વખતે ઈશાની ઉંમર 21 વર્ષ હતી. પહેલી ફિલ્મથી ઈશાને ખાસ ઓળખ ન મળી, પણ તેને લોકપ્રિયતા અપાવવાનું કામ કર્યું વર્ષ 2004ની હિટ મુવી ધૂમે, જેમાં તે શીનાના પાત્રમાં જોવા મળી હતી.

Esha Deol, Dharmendra Hema Malini (2)

ધૂમથી લોકપ્રિયતા મેળવ્યા બાદ ઈશા દેઓલે યુવા, કાલ, નો એન્ટ્રી અને દસ જેવી ફિલ્મોથી પણ પોતાની ઓળખ બનાવી. એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે ઈશા ફિલ્મ પ્રતાપમાં જોવા મળશે. સચિન સરાફના ડિરેક્શનમાં બનેલી આ મુવી 20 નવેમ્બર 2026ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. એક્શન થ્રિલર પ્રતાપમાં તિગ્માંશુ ધુલિયા, સીમા બિસ્વાસ અને અમિત સાધ પણ મહત્વના રોલમાં છે.

બાળપણના મિત્ર સાથે લગ્ન અને 12 વર્ષ પછી છૂટાછેડા

હવે વાત કરીએ ઈશા દેઓલની પર્સનલ લાઈફ વિશે. એક્ટ્રેસે બિઝનેસમેન ભરત તખ્તાની સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. ઈશા અને ભરત એકબીજાને બાળપણથી ઓળખતા હતા. ઈશા ભરતને પહેલી વાર 13 વર્ષની ઉંમરે મળી હતી. પાછળથી બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો અને પછી તેમણે સાથે જિંદગી વિતાવવાનો નિર્ણય લીધો હતો. લગ્નના 12 વર્ષ પછી 2024માં આ કપલે છૂટાછેડા લીધા. લગ્ન પછી તેમને 2 દીકરીઓ રાધ્યા અને મિરાયા થઈ હતી. હવે બંને સાથે મળીને પોતાની બંને દીકરીઓનો ઉછેર કરી રહ્યા છે.

આ પણ વાંચો-Ramayana : રિલીઝ પહેલાં જ રામાયણનો બોક્સ ઓફિસ પર ધમાકો! એડવાન્સ બુકિંગમાં કમાણી 22 કરોડને પાર!