બોલિવૂડની 'ક્વીન' તરીકે જાણીતી અભિનેત્રી કંગના રનૌત આજકાલ પોતાની આગામી ફિલ્મ "ભારત ભાગ્ય વિધાતા" ને લઈને ભારે ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન કંગનાએ મહિલાઓના અધિકારો, તેમની કારકિર્દી અને સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા વિશે ખૂબ જ નિખાલસતાથી પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ દરમિયાન તેની સહ-અભિનેત્રી સ્મિતા તાંબેએ જ્યારે અચાનક જ કંગનાને તેના લગ્નના પ્લાનિંગ વિશે પૂછ્યું, ત્યારે પ્રમોશનનું વાતાવરણ એકદમ રસપ્રદ અને હાસ્યસભર બની ગયું હતું.


લગ્નના સવાલ પર કંગનાનો બિન્દાસ અંદાજ

સ્મિતા તાંબેના સવાલનો કંગનાએ ખૂબ જ રમૂજી અને સ્પષ્ટવક્તા શૈલીમાં જવાબ આપ્યો હતો. ન્યૂઝ એજન્સી IANS સાથે વાતચીત કરતા કંગનાએ હસતા હસતા કહ્યું, "અમારી વાતચીત જીવનમાં કોણ શું કરી રહ્યું છે તેના વિશે નહોતી, અમે તો બસ અમારા જીવનના અનુભવો શેર કરી રહ્યા હતા. પરંતુ હા, સ્મિતા અત્યારે ચોક્કસપણે મારા માટે યોગ્ય જીવનસાથીની શોધ કરી રહી છે!"

મારી પ્રાથમિકતા કારર્કિદી છે, કંગના રનૌત

જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે સફળ મહિલાઓ લગ્નનો નિર્ણય લેવામાં આટલો સમય કેમ લે છે, ત્યારે તેણે જણાવ્યું કે દરેક સ્ત્રીની જીવનયાત્રા અલગ હોય છે. તેણે પોતાની સહ-કલાકાર ગિરિજા ઓકનું ઉદાહરણ આપતા કહ્યું કે તે ખૂબ જ નાની ઉંમરે માતા બની ગઈ હતી, જે એક મુશ્કેલ પરિસ્થિતિ છે. કંગનાએ ઉમેર્યું, "હું લગ્ન નામની સંસ્થામાં ચોક્કસ માનું છું, પરંતુ સત્ય એ છે કે લાંબા ગાળે લગ્ન ક્યારેય મારી પ્રાથમિકતા નહોતા. મારી પહેલી પ્રાથમિકતા હંમેશા મારી કારકિર્દી રહી છે."

સંઘર્ષના દિવસો અને માતા-પિતાનો વિરોધ

પોતાની સફરને યાદ કરતા કંગનાએ જણાવ્યું કે તેણે માત્ર 16-17 વર્ષની નાની ઉંમરે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, તેને અસલી સફળતા 29 વર્ષની ઉંમરે 'તનુ વેડ્સ મનુ' અને 'ક્વીન' જેવી ફિલ્મોથી મળી. તેણે ખુલાસો કર્યો કે જ્યારે તે પોતાની શરતો પર જીવતી હતી ત્યારે તેના માતા-પિતા કહેતા, "આ કેવા પ્રકારની વિચારસરણી છે? છોકરીઓ આવું ન વિચારે." પરંતુ કંગના હંમેશા પોતાની રીતે જ આગળ વધવા માંગતી હતી.

નર્સોના કામ અને દેશની અર્થવ્યવસ્થા પર આપ્યું નિવેદન

પ્રમોશન દરમિયાન નર્સોના ઓછા પગાર અને કપરા કામ અંગે વાત કરતા કંગના ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે જે સમાજમાં દરેક કામને માત્ર પૈસાના ત્રાજવે તોલવામાં આવે છે તેનું પતન નિશ્ચિત છે. ઘણીવાર લોકો ઘરકામ કરતી મહિલાઓની સરખામણી કરીને કહે છે કે રસોઈ બનાવીને કે કપડાં ધોઈને આટલા પૈસા બચાવ્યા, જે સાંભળીને તેને માનસિક અસ્વસ્થતા થાય છે. કંગનાએ ભારપૂર્વક કહ્યું કે જો લોકો કામને માત્ર નાણાકીય વ્યવહાર તરીકે જોવાને બદલે ભાવનાત્મક રીતે જુએ અને તેને સરળ બનાવવાનો પ્રયાસ કરે, તો દેશની અર્થવ્યવસ્થા આપમેળે મજબૂત બનશે.

"ભારત ભાગ્ય વિધાતા" સ્ટારકાસ્ટ, ફિલ્મ કયારે થશે રિલીઝ

કંગના રનૌતની આ ફિલ્મ 2008 ના મુંબઈ આતંકવાદી હુમલા (26/11) ની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ વાર્તા કામા હોસ્પિટલમાં બનેલી સાચી ઘટનાઓથી પ્રેરિત છે. ફિલ્મમાં કંગના રનૌત નર્સ 'ગીતા માધવન' ની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે, જે આતંકવાદી હુમલાના કપરા સમયે દર્દીઓની સેવાને પોતાની ફરજ માનીને દેશભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. મનોજ ટાપરિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત ગિરિજા ઓક, સ્મિતા તાંબે, અમૃતા નામદેવ, એશા ડે, પ્રિયા બર્ડે, આશા શેલાર, સુહિતા થટ્ટે, રસિકા અગાશે, આદિત્ય મિશ્રા અને ઝાહિદ ખાન જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ શાનદાર ફિલ્મ 12 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે.


આ પણ વાંચો : Ram Charanની 'પેડ્ડી' નો બોક્સ ઓફિસ પર ધમાકો, 4 દિવસમાં ₹150 કરોડ પાર, જાહ્નવી કપૂરના પાત્ર પર વિવાદ

  • Follow us on: