બોલીવુડમાં ઘણી એવી સુંદર અભિનેત્રીઓ રહી છે, જેમણે સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી હતી. કેટલીક અભિનેત્રીઓએ તેમની સાથે યાદગાર ફિલ્મો આપી, તો કેટલીકએ તેમની સાથે ડેબ્યૂ કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી. પરંતુ આજે અમે તમને રાજેશ ખન્નાની એવી હિરોઈન વિશે જણાવી રહ્યા છીએ, જે પોતાની ફિલ્મો કરતાં વધુ પોતાના બેફામ અંદાજ, વિવાદો અને અંગત જીવનને લઈને ચર્ચામાં રહી હતી. ભલે આજે આ અભિનેત્રી ચમકદાર દુનિયાથી દૂર છે, પરંતુ તેમની બહેનનું નામ હજુ પણ બોલિવૂડમાં જાણીતું છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ ફરાહ નાઝ છે.

રાજેશ ખન્ના સાથે ઘણી ફિલ્મોમાં કર્યું કામ

80 અને 90ના દાયકામાં ફરાહ નાઝ બોલીવુડની એવી અભિનેત્રીઓમાં સામેલ હતી, જેમણે પોતાની સુંદરતા અને દમદાર અભિનયથી ખાસ ઓળખ બનાવી હતી. રાજેશ ખન્ના સાથે ઘણી ફિલ્મોમાં કામ કરનારી ફરાહ પોતાની કારકિર્દી ઉપરાંત અંગત જીવન અને બેફામ અંદાજને કારણે પણ ઘણી ચર્ચામાં રહી હતી. 2 લગ્ન, વિવાદોથી ભરેલું જીવન અને પછી અચાનક ફિલ્મોથી અંતર... ફરાહની કહાની કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી.

2 લગ્ન, એક દીકરો અને બદલાઈ ગયું જીવન

ફરાહ નાઝનું અંગત જીવન પણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. તેમણે વર્ષ 1996માં અભિનેતા વિંદુ દારા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેને ફતેહ રંધાવા નામનો એક દીકરો છે. જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને વર્ષ 2002માં બંને અલગ થઈ ગયા. ત્યારબાદ ફરાહે વર્ષ 2003માં અભિનેતા સુમીત સહગલ સાથે બીજા લગ્ન કર્યા. બીજા લગ્ન બાદ તેમણે ધીમે-ધીમે ફિલ્મોથી અંતર બનાવી લીધું અને પરિવાર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

2005માં આવી હતી છેલ્લી હિન્દી ફિલ્મ

ફરાહ નાઝે સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કુલ 3 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં વો ફિર આયેગી અને બેગુનાહ જેવી ફિલ્મો સામેલ છે. આ ફિલ્મોમાં તેમના અભિનયને દર્શકો અને વિવેચકો બંનેએ ખૂબ પસંદ કર્યો હતો. ફરાહ નાઝ છેલ્લે વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ શિખરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે ‘કુસુમ’નું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ તેમણે બોલીવુડથી લગભગ સંપૂર્ણપણે અંતર બનાવી લીધું.

તબ્બુની બહેન અને શબાના આઝમીની ભત્રીજી

ફરાહ નાઝનો જન્મ 9 ડિસેમ્બર 1968ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તે બોલીવુડની જાણીતી અભિનેત્રી તબ્બુની મોટી બહેન છે, જ્યારે ફરાહ દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીની ભત્રીજી છે. પોતાના સમય દરમિયાન ફરાહે અનેક મોટા કલાકારો સાથે કામ કરીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. ફરાહે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત યશ ચોપરાની ફિલ્મ ફાસલેથી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1985માં આવી હતી અને તેમાં તેમની સાથે સુનીલ દત્ત તથા રેખા જેવા દિગ્ગજ કલાકારો જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે નસીબ અપના અપના 1986, લવ 86 1986, ઈમાનદાર 1987, યતીમ 1988 અને નકાબ 1989 જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. 80 અને 90ના દાયકામાં તેમને બોલીવુડની સૌથી બિન્દાસ અભિનેત્રીઓમાં ગણવામાં આવતી હતી.

ગુસ્સાવાળા સ્વભાવને કારણે પણ રહી ચર્ચામાં

ફરાહ નાઝ માત્ર પોતાની ફિલ્મોને કારણે જ નહીં, પરંતુ પોતાના બેફામ અને ગુસ્સાવાળા સ્વભાવને કારણે પણ ઘણી ચર્ચામાં રહી હતી. તેમના નામ સાથે જોડાયેલા અનેક કિસ્સા આજે પણ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાય છે. ક્યારેક અભિનેતા ચંકી પાંડે સાથેની તેમની બોલાચાલી ચર્ચામાં રહી હતી, તો ક્યારેક એક પાર્ટીમાં ફિલ્મમેકરને થપ્પડ મારવાની ઘટનાએ તેમને ચર્ચામાં લાવી દીધા હતા. આ જ કારણ છે કે ફરાહ નાઝનું વ્યાવસાયિક અને અંગત જીવન બંને હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય રહ્યું હતું.

આ પણ વાંચો-Flop : પહેલા દિવસે જ ઊંધા માથે પછડાઈ ફિલ્મ ભાઈ તેરા સ્ટાર હૈ, લાખો રૂપિયા કમાવામાં પણ પડ્યા ફાંફા!!