સ્ટેન્ડ અપ કોમેડીયન પ્રણિત મોરેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પ્રણિતના શોમાં 370ની બિરયાનીને લઈને સોશિયલ મીડિયામાં હંગામો મચ્યો હતો. જેના બાદ થોડા દિવસ પહેલા પ્રણિતે વીડિયો દ્વારા માફી પણ માગી હતી. જો કે 370 બિરયાની વિવાદ હવે કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ ગયો છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરે અને હિમાંશું જાંગડા વિરુદ્ધ વધુ એક એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર બાદ હવે ગુરુગ્રામ પોલીસે પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.


પ્રણિત-હિમાંશુ સામે રાષ્ટ્રીય મહિલા આયોગનો મોરચો

ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા પર બળજબરીથી સેક્સને સામાન્ય બનાવવાનો અને મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ની સત્તાવાર ફરિયાદ બાદ ગુરુગ્રામ પોલીસે આ કડક પગલું ભર્યું છે. વીડિયોમાં હિમાંશુએ મહિલાઓ વિશે અશ્લીલ મજાક કરી હતી, જ્યારે ડૉ. સેજલે પુરુષોના ગુપ્ત ભાગો વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ છે.

આ ગંભીર કલમો હેઠળ નોંધાયો ગુનો

ANIના અહેવાલ મુજબ, પ્રણિત મોરેના શોમાં મહિલાઓ, સંમતિ અને મૃતક વ્યક્તિઓ વિશે વાંધાજનક, અશ્લીલ અને અત્યંત અભદ્ર ટિપ્પણીઓ કરવા બદલ નોડલ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ મહારાષ્ટ્ર સાયબર પોલીસે આ મામલે પ્રણિત, હિમાંશુ અને ડૉ. સેજલ પવાર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. ડો.સેજલે મૃત વ્યક્તિઓને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી. આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની કલમ 75(1)(iv), 75(3), 294 અને 353(2) ગુનો નોંધાયો. તેમની સામે માહિતી ટેકનોલોજી (IT) અધિનિયમ, 2000 ની કલમ 67 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ₹370ની બિરયાનીનો વિવાદ?

આ સમગ્ર વિવાદ પ્રણિત મોરેના એક લાઇવ શો દરમિયાન શરૂ થયો હતો, જ્યાં તેમણે દર્શકોમાં બેઠેલા હિમાંશુ જાંગરા સાથે વાતચીત શરૂ કરી હતી. વાતચીત દરમિયાન હિમાંશુએ કહ્યું કે તે એક મહિલાને ડેટ પર લઈ ગયો હતો અને બિરયાની પર આશરે ₹370 ખર્ચ્યા હતા. વિવાદ ત્યારે વકર્યો જ્યારે હિમાંશુએ એવું નિવેદન આપ્યું કે, તેણે ભોજનના પૈસા ચૂકવ્યા હોવાથી તે બદલામાં મહિલા પાસેથી સેક્સની અપેક્ષા રાખે છે. આ શોની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

પ્રણિત મોરે પર કેમ લોકોનો ફૂટયો ગુસ્સો

હિંમાશું જાંગડાના 370 બિરયાનીના વિવાદાસ્પદ નિવેદનથી પ્રેક્ષકો અને પ્રણિત મોરે બંનેમાં જોરદાર હાસ્ય ફેલાયું હતું. સ્ટેન્ડઅપ કોમેડિયન પર એટલા માટે લોકો ગુસ્સે થયા કારણ કે પ્રણિતે તેને "ગુડગાંવની ટોચની સામગ્રી" ગણાવી અને તે યુવાનને તેની વાર્તા માટે 5,000 રૂપિયાનું ઇનામ પણ આપ્યું. ત્યારબાદ પ્રણિતે ક્લિપને સંપાદિત કરી અને તેને સોશિયલ મીડિયા પર તેના લાખો સબ્સ્ક્રાઇબર્સ સાથે શેર કરી. વીડિયો વાયરલ થતાં જ લોકો રોષે ભરાયા. લોકોએ તેને મહિલાઓ સામે બળજબરી અને અસંમતિને પ્રોત્સાહન ગણાવ્યું.


  • Follow us on: