ભરતપુરના મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં ખરાબ કારના માર્કેટિંગ અંગે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. રાજસ્થાન હાઈકોર્ટે આ કેસ પર સ્ટે જાળવી રાખ્યો છે. કોર્ટે કાર કંપની અને ફરિયાદીને તેમના વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાનો નિર્દેશ પણ આપ્યો છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણને આ કેસમાં રાહત મળી છે.
ખરાબ કારનું માર્કેટિંગ કરવા બદલ FIR
આ કેસની સુનાવણી જસ્ટિસ સુદેશ બંસલની સિંગલ બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. બંને પક્ષોની સંમતિથી કોર્ટે આ મામલો મધ્યસ્થી કેન્દ્રને સોંપ્યો હતો. એક ગ્રાહક વકીલે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ તેમજ કંપની અને શોરૂમ સ્ટાફ વિરુદ્ધ ખરાબ કારનું માર્કેટિંગ કરવા બદલ FIR દાખલ કરી હતી.
જાણો શું છે સમગ્ર મામલો?
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ બંને હ્યુન્ડાઇ કાર એજન્સીના બ્રાન્ડ એમ્બેસેડર છે. 50 વર્ષીય કીર્તિ સિંહે 14 જૂન 2022ના રોજ હરિયાણાના સોનીપતમાં માલવા ઓટો સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી હ્યુન્ડાઇ અલ્કાઝાર ખરીદી હતી. તેમણે જણાવ્યું હતું કે, મને ટેકનિકલી ખરાબ કાર આપવામાં આવી હતી જેમાં ખરીદી કર્યા બાદ તરત જ ટેકનિકલ સમસ્યાઓ થવા લાગી હતી. મેં ટેક્નિકલ રીતે ખામીયુક્ત કાર સામે ફરિયાદ નોંધાવવા માટે એજન્સીના અધિકારીઓનો સંપર્ક કર્યો પરંતુ તેમણે કાર બદલવાનો કે રૂ.23,97,553ની કિંમત પરત કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે એજન્સીએ રકમ પરત કરવાનો ઇનકાર કર્યો ત્યારે કીર્તિએ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, કંપનીના અધિકારીઓ અનસુ કિમ, તરુણ ગર્ગ, નીતિન શર્મા, પ્રિયંકા શર્મા અને અન્ય લોકો વિરુદ્ધ મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફિલ્મ કિંગમાં જોવા મળશે. શાહરૂખ સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. આ ફિલ્મમાં પહેલી વાર શાહરૂખ ખાન અને તેની પુત્રી સુહાના ખાન સ્ક્રીન શેર કરતા જોવા મળશે.