વર્ષ 2025 ગુજરાતી ફિલ્મ જગત માટે સારૂ રહ્યું છે. જેમાં ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરી છે. 2025માં લાલો - કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ સૌથી વધુ કમાણી કરીને ઈતિહાસ રચનારી ફિલ્મ બની છે. માત્ર 50 લાખ રૂપિયાના બજેટમાં બનેલી આ ભક્તિમય ડ્રામા ફિલ્મે પ્રથમ અઠવાડિયે ધીમી શરૂઆત કર્યા પછી પણ દર્શકોના જબરદસ્ત પ્રતિસાદના કારણે પાંચ-છ અઠવાડિયામાં તેની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.


આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં 101.50 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન કરીને ₹100 કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બનવાનું ગૌરવ મેળવ્યું છે, જે એક અદ્ભુત સિદ્ધિ છે. આ ફિલ્મને IMDb પર 8.7/10નું ઊંચું રેટિંગ મળ્યું છે અને તે આ વર્ષની સૌથી નફાકારક ભારતીય ફિલ્મોમાં પણ સ્થાન ધરાવે છે.

લાલો કૃષ્ણ સદા સહાયતે

2025 માં 'લાલો' ઉપરાંત, અન્ય ગુજરાતી ફિલ્મોએ પણ બોક્સ ઓફિસ પર મજબૂત પ્રદર્શન કર્યું છે અને ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ગ્રોસ કલેક્શનને 100 કરોડ રૂપિયાને પાર પહોંચાડ્યું છે.

ચણિયા ટોળી

જય બોદાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા નિર્દેશિત આ કોમેડી-ડ્રામા ફિલ્મને દિવાળી દરમિયાન દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. યશ સોની, નેત્રી ત્રિવેદી અને જાનકી બોડીવાલા અભિનીત આ ફિલ્મે અંદાજે 22.80 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે.

ઉંબરો

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિષેક શાહ દ્વારા નિર્દેશિત આ સોશિયલ કોમેડી-ડ્રામા ફિલ્મ (વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચિતા ત્રિવેદી અભિનીત) જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી અને તેણે આશરે 17 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરીને વર્ષની સૌથી વધુ નફાકારક ફિલ્મોમાંનું એક સ્થાન મેળવ્યું છે.

વશ લેવલ 2

કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત હોરર-થ્રિલર ફિલ્મ 'વશ'ની સિક્વલને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેણે ગુજરાતમા અંદાજે 16 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ ફિલ્મને હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મનું કુલ કલેક્શન 174 કરોડ હતું.

બચુની બહેનપણી

વિપુલ મહેતાની આ કૌટુંબિક ફિલ્મ બચુની બહેનપણી પણ ટોપ ગ્રોસર્સની યાદીમાં સામેલ છે, જેણે અંદાજે 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ ફિલ્મોએ પુરવાર કર્યું છે કે, ગુજરાતી સિનેમામાં વાર્તા અને દર્શકો સાથેના ભાવનાત્મક જોડાણની તાકાત હવે મોટા બજેટ કરતાં પણ વધુ અસરકારક સાબિત થઈ રહી છે.




  • Follow us on: