બોલીવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝી 'હેરા ફેરી 3' (Hera Pheri 3) તેની જાહેરાત થઈ ત્યારથી જ સતત વિવાદો અને મુશ્કેલીઓથી ઘેરાયેલી છે. અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની આ આઈકોનિક ત્રિપુટીને ફરી પડદા પર જોવા ચાહકો આતુર છે, પરંતુ આ પ્રોજેક્ટને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્મના સૌથી લોકપ્રિય પાત્ર 'બાબુ ભૈયા' એટલે કે પરેશ રાવલે આ ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લીધો છે.
પેમેન્ટની શરતોને કારણે પરેશ રાવલ નારાજ?
મીડિયા રિપોર્ટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પરેશ રાવલે ફિલ્મ માટે મળેલી સાઇનિંગ અમાઉન્ટ ૧૫% વ્યાજ અને વળતર સાથે મેકર્સને પરત કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ માટે તેમની કુલ ફી ₹15 કરોડ નક્કી કરવામાં આવી હતી. જોકે, ટર્મ શીટની એક શરત મુજબ, તેમને ₹14.89 કરોડની બાકીની રકમ ફિલ્મ રિલીઝ થયાના બરાબર એક મહિના પછી મળવાની હતી.
હજુ સુધી મેકર્સ કે અભિનેતા તરફથી કોઇ પુષ્ટિ નહીં
ફિલ્મનું શૂટિંગ પણ આવતા વર્ષે (2027) શરૂ થવાની સંભાવના છે, જેનો અર્થ એ થયો કે આ ફિલ્મ ૨૦૨૭ના અંત સુધીમાં જ રિલીઝ થઈ શકે. આ સંજોગોમાં પરેશ રાવલને પોતાની પૂરી ફી મેળવવા માટે લગભગ બે વર્ષ જેટલી લાંબી રાહ જોવી પડે તેમ હતી. આ પેમેન્ટ પોલિસી અંગે શંકા હોવાને કારણે પીઢ અભિનેતાએ આ પ્રોજેક્ટથી અંતર જાળવવાનું યોગ્ય માન્યું છે. જોકે, હજુ સુધી મેકર્સ કે અભિનેતા તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અક્ષય કુમારે પણ આપી પ્રતિક્રિયા
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં સુપરસ્ટાર અક્ષય કુમારે પણ આ ફિલ્મ અંગે મોટો ખુલાસો કર્યો હતો. અક્ષયે જણાવ્યું કે, "'હેરા ફેરી 3' અત્યારે નથી બની રહી. ફિલ્મ સાથે કાનૂની અને અન્ય ઘણી સમસ્યાઓ જોડાયેલી છે, જેનાથી હું પોતે પણ આઘાતમાં છું. જોકે, એવું નથી કે અમે ત્રણેય કલાકારો સાથે નથી, બસ બધું બરાબર થવામાં થોડો સમય લાગશે."
ઘોસ્ટ બાંગ્લાના સેટ પર શૂટ થયું હતું ટીઝર!
અહેવાલોનું માનીએ તો, થોડા સમય પહેલા 'હેરા ફેરી 3'નું જે એનાઉન્સમેન્ટ ટીઝર શૂટ કરવામાં આવ્યું હતું, તે વાસ્તવમાં અક્ષય કુમારની અન્ય એક આગામી ફિલ્મ 'ભૂત બાંગ્લા'ના સેટ પર શૂટ થયું હતું. હવે કાનૂની ગૂંચવણો, કોપીરાઈટના વિવાદો અને સ્ટારકાસ્ટના પેમેન્ટના પ્રશ્નો વચ્ચે 'બાબુ ભૈયા' વગર આ ફિલ્મ આગળ વધશે કે નહીં, તે જોવું રહ્યું.
આ પણ વાંચોઃ Cannes માં મોડલ પર કાતરથી થયો હુમલો, શખ્સે ચહેરો કર્યો લોહીલુહાણ, વીડિયો જોઈને ધ્રૂજી ઉઠ્યા ફેન્સ!