બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને મોટી કડી મળી છે. મુંબઈ પોલીસે પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ વ્યક્તિને સાંતાક્રુઝ વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. પોલીસ હવે તેની પાસેથી હુમલાખોરો અને ફાયરિંગ પાછળના કારણો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 18 ઓક્ટોબર, 2026ના રોજ બનેલી આ ઘટનામાં ટાઈગર શ્રોફને કોઈ ઈજા થઈ નહોતી. 

સાંતાક્રુઝમાંથી એક વ્યક્તિ કસ્ટડીમાં

ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે એક વ્યક્તિને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે. અહેવાલ મુજબ, આ વ્યક્તિને સાંતાક્રુઝ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. પોલીસ તેની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ફાયરિંગમાં તેની કોઈ ભૂમિકા હતી કે નહીં અને હુમલામાં સામેલ લોકો સાથે તેનો કોઈ સંપર્ક હતો કે નહીં. જોકે, કસ્ટડીમાં લેવાયેલી વ્યક્તિ જ મુખ્ય આરોપી છે કે નહીં તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી. પૂછપરછના આધારે તપાસ આગળ વધશે. 

https://www.instagram.com/reel/DepHcMejyId/?utm_source=ig_web_copy_link&xtok=MzRlODBiNWFlZA%3D%3D&srtk=MzRlODBiNWFlZA%3D%3D



હુમલાખોરોને શોધવા 15 પોલીસ ટીમો તૈનાત

ફાયરિંગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે તપાસ માટે 15 ટીમો બનાવી છે. પોલીસ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસી રહી છે. હુમલાખોરો કયા રસ્તે આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યા બાદ કઈ દિશામાં ભાગ્યા હતા તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગોળીબારના અવાજ બાદ લોકોમાં અફરાતફરી જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

સોશિયલ મીડિયા પોસ્ટમાં અનિલ પંડિત અને હરમન સંધુનો દાવો

ફાયરિંગ બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી હતી, જેમાં અનિલ પંડિત અને હરમન સંધુએ હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો. આ પોસ્ટમાં ટાઈગર શ્રોફને અગાઉ ફોન કરીને ચેતવણી આપ્યાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં સલમાન ખાન સાથે કામ કરતા અથવા તેમની સાથે જોડાયેલા લોકો સામે પણ ધમકી આપવામાં આવી હતી. આ દાવા અને ફાયરિંગની ઘટના વચ્ચેના સંબંધની તપાસ ચાલી રહી છે.

ફૂટબોલ રમીને પરત ફરતી વખતે ફાયરિંગ

અહેવાલો મુજબ, ટાઈગર શ્રોફ જુહુના પુષ્પા પાર્ક વિસ્તારમાં ફૂટબોલ રમ્યા બાદ પરત ફરી રહ્યા હતા. સાંજે લગભગ 7 વાગ્યે મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. કેટલાક અહેવાલોમાં કાર પર સાત રાઉન્ડ ફાયરિંગ થયાનો ઉલ્લેખ છે. ઘટના સમયે આસપાસ લોકો પણ હાજર હતા. ગોળીબાર બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગોળીબારના અવાજ વચ્ચે લોકો સુરક્ષિત જગ્યાએ જવા દોડતા જોવા મળે છે.