‘હનુમાન અંશ’ની ટીમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહના X એકાઉન્ટ પરથી આ મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી છે. અમિત શાહે ફિલ્મની ટીમને શુભેચ્છા પાઠવી છે.
ઓછા બજેટમાં બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મની કમાણી અટકવાનું નામ લઈ રહી નથી. ફિલ્મે 300 કરોડ ક્લબમાં પ્રવેશ કરી લીધો છે. ફિલ્મના કલાકારો પણ ચર્ચામાં આવ્યા છે અને લોકપ્રિયતાનો આનંદ માણી રહ્યા છે. હવે ફિલ્મની ટીમે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે.
અમિત શાહને મળી ‘હનુમાન અંશ’ની ટીમ
અમિત શાહના X એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે, ‘આજે નવી દિલ્હીમાં બાબા નીમ કરોલીના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ના કલાકારો સાથે મુલાકાત કરી. બાબા નીમ કરોલીની આધ્યાત્મિક સફર અને હનુમાનજી પ્રત્યેની તેમની અનોખી ભક્તિને સિનેમા દ્વારા લોકો સુધી પહોંચાડવાના આ પ્રશંસનીય પ્રયાસ માટે ફિલ્મની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા.’
અમિત શાહે ટીમ સાથે તસવીરો પણ પડાવી હતી. તસવીરોમાં ફિલ્મના મુખ્ય અભિનેતા શોભિનવ સત્ય અને દિગ્દર્શક વિશાલ ચતુર્વેદી પણ જોવા મળે છે.
https://twitter.com/AmitShah/status/2101984421390012506
ફિલ્મમાં જોવા મળ્યા આ કલાકારો
ફિલ્મમાં નીમ કરોલી બાબાની આધ્યાત્મિક સફર દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં શોભિનવ સત્યએ નીમ કરોલી બાબાની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં ચંદન આનંદ, પૂર્ણિમા તિવારી, વિહાન શેડગે, અનિલ રસ્તોગી અને હની બક્ષી જેવા કલાકારો પણ જોવા મળ્યા છે.
ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેનું કોઈ પ્રમોશન કરવામાં આવ્યું નહોતું. ફિલ્મ થિયેટરમાં આવી ત્યારે શરૂઆતમાં તેની કમાણી ઘણી ધીમી રહી હતી. બીજા અઠવાડિયા સુધી તો એવા અહેવાલો આવવા લાગ્યા હતા કે ફિલ્મને થિયેટરમાંથી હટાવી દેવામાં આવશે. પરંતુ ત્રીજા અઠવાડિયામાં ફિલ્મે અચાનક ઝડપ પકડી અને તેની દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી.
ફિલ્મ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી. ફિલ્મનાં ગીતોની પણ ચર્ચા થઈ અને લોકોને ફિલ્મ ગમતાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી. ફિલ્મ જોવા માટે થિયેટરમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચવા લાગ્યા. ફિલ્મ હવે 300 કરોડ ક્લબમાં પ્રવેશ કરી ચૂકી છે.
‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો પહેલા દિવસે ફિલ્મે માત્ર 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મને માત્ર 355 શો મળ્યા હતા. પહેલા અઠવાડિયામાં ફિલ્મે 1.08 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બીજા અઠવાડિયામાં ફિલ્મના શો ઘટીને 25થી 30 થઈ ગયા હતા. આ અઠવાડિયામાં ફિલ્મે માત્ર 40 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા અઠવાડિયામાં ફિલ્મે 10.40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
ચોથા અઠવાડિયામાં ફિલ્મે 61 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પાંચમા અઠવાડિયામાં 90.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. છઠ્ઠા અઠવાડિયામાં ફિલ્મે 80.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
43મા દિવસે ફિલ્મે 5 કરોડ રૂપિયા કમાયા હતા. 44મા દિવસે ફિલ્મે 9.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે 45મા દિવસે ફિલ્મે 13.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મને 7,628 શો મળ્યા હતા અને 40 ટકા ઓક્યુપન્સી નોંધાઈ હતી.