ગુટખા અને એલચી કંપનીના વિજ્ઞાપન બાબતે બોલિવૂડ કલાકારો અજય દેવગન, શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફ ફરી વિવાદમાં ઘેરાયા છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ દ્વારા આપવામાં આવેલી નોટિસનો ત્રણેય અભિનેતાઓએ જવાબ રજૂ કર્યો છે. જોકે, અજય દેવગને આ મામલે કાનૂની માર્ગ અપનાવીને એફડીએની નોટિસ સામે સીધા બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી છે. જેના કારણે હવે આ જાહેરાત વિવાદે મોટો કાનૂની વળાંક લીધો છે.

કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી

મહારાષ્ટ્ર એફડીએ દ્વારા પ્રસારિત જાહેરાતમાં દેખાવા બદલ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્ર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તેઓ આ જાહેરાતનો હિસ્સો શા માટે બન્યા અને તેમની સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ પગલાં કેમ ન લેવા જોઈએ. 

ત્રણેય કલાકારોએ પોતાનો લેખિત ખુલાસો રજૂ કર્યો

નોટિસ મળ્યા બાદ ત્રણેય કલાકારોએ પોતાનો લેખિત ખુલાસો રજૂ કર્યો છે. એફડીએ કમિશનર તુકારામ મુંઢેના જણાવ્યા મુજબ, તેમાંથી બે કલાકારોએ વ્યક્તિગત સુનાવણીની માગ કરી હતી અને આ સુનાવણીની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે. જોકે આ ત્રણેય કલાકારોએ નોટિસના ઉત્તરમાં કઈ દલીલો કરી છે તેની વિગતો જાહેર થઈ નથી. 

અજય દેવગને નોટિસને સીધી બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

બીજી તરફ, અજય દેવગને જવાબ આપવાની સાથે તંત્રની નોટિસને સીધી બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે. દેવગને કયા આધાર પર અરજી કરી છે અને શું રાહત માગી છે તે સ્પષ્ટ થયું નથી, પરંતુ હવે આ બાબતે અદાલતનું વલણ મહત્વપૂર્ણ બની રહેશે.

વિવાદના મૂળમાં ગુટખા અને એલચી બનાવતી કંપનીનું વિજ્ઞાપન

આ સમગ્ર વિવાદના મૂળમાં ગુટખા અને એલચી બનાવતી કંપનીનું વિજ્ઞાપન રહેલું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ગુટખા ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એફડીએ તંત્રને આશંકા છે કે માઉથ ફ્રેશનર એલચીના નામે ચલાવાતી જાહેરાતો દ્વારા પરોક્ષ રીતે પ્રતિબંધિત ગુટખાનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. નિયમનકારી તંત્ર તેને સરોગેટ એડવર્ટાઇઝિંગ એટલે કે અન્ય ઉત્પાદનના નામે પ્રતિબંધિત બ્રાન્ડના પ્રચાર તરીકે જુએ છે. અધિકારીઓનું માનવું છે કે આવી જાહેરાતોથી ગ્રાહકોમાં પ્રતિબંધિત ઉત્પાદનની બ્રાન્ડ ઓળખ મજબૂત બને છે. આ બાબતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની જોગવાઈઓ ટાંકીને કાર્યવાહી થઈ છે. આ કાયદા હેઠળ ભ્રામક જાહેરાતો અને તેના પ્રચાર અંગે કડક નિયમો નક્કી કરાયા છે. તંત્ર દ્વારા ત્રણેય અભિનેતાઓને આ જાહેરાત અભિયાનમાંથી ખસી જવાની અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી પણ સંબંધિત પ્રચાર સામગ્રી હટાવી લેવાની સૂચના અપાઈ છે. 


આ પણ વાંચો :    CEC અને SIR મુદ્દે અમિત શાહની રાહુલ-અખિલેશને ખુલ્લી ચેલેન્જ, સંસદમાં ચર્ચા કરવા આવો, ભાજપ તૈયાર છે, Video