સિંગર ઝુબીન ગર્ગના મૃત્યુ અંગેનું રહસ્ય હજુ પણ ખુલતું નથી. 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે સિંગરના મૃત્યુથી બધા ચોંકી ગયા હતા. હવે ઝુબીનના મૃત્યુ કેસમાં એક નવી અપડેટ સામે આવી છે. ઝુબીનના બેન્ડમેટ અને સાક્ષી શેખર જ્યોતિ ગોસ્વામીએ સિંગરના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ આયોજક, શ્યામકાનુ મહંત પર ગંભીર આરોપો લગાવ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને આપેલા પોતાના નિવેદનમાં સાક્ષી શેખર જ્યોતિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મેનેજર અને ફેસ્ટિવલ આયોજકે ઝુબીન ગર્ગને ઝેર આપ્યું હતું. 


ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસમાં જોડાઈ SIT

ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. SITએ આ કેસમાં પૂછપરછ માટે 12 વ્યક્તિઓને નોટિસ ફટકારી હતી. હાલમાં સિંગરના મેનેજર, સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ આયોજક, શ્યામકાનુ મહંતની પણ પોલીસે ધરપકડ કરી હતી. બંનેને ગુવાહાટી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. હવે ઝુબીન ગર્ગના બેન્ડના સભ્ય શેખર જ્યોતિ ગોસ્વામીએ SITની પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે.

શેખર જ્યોતિ ગોસ્વામીએ કર્યા મોટા ખુલાસા

શેખર જ્યોતિ ગોસ્વામીએ પૂછપરછ દરમિયાન સિંગરના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ આયોજક શ્યામકાનુ મહંત પર ઝુબીન ગર્ગને ઝેર આપવાનો આરોપ લગાવ્યો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ડૂબતી વખતે તેમના મોં અને નાકમાંથી ફીણ નીકળી રહ્યું હતું. તેમ છતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ન હતા. સાક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે ઝુબીન ખૂબ જ સારા તરવૈયા હતા અને તેઓ ડૂબીને મૃત્યુ પામ્યા નહોતા.

ઝુબીન ગર્ગનું મૃત્યુ ક્યારે થયું?

હવે આસામ પોલીસ શેખર જ્યોતિ ગોસ્વામીના આ દાવાની તપાસ કરી રહી છે. ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં અવસાન થયું હતું. તેઓ એક કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા માટે સિંગાપોર ગયા હતા. તેમના પર્ફોર્મન્સ પહેલાં સિંગર સ્કુબા ડાઇવિંગમાં ગયો અને ડૂબી ગયો હતો. તેમના અંતિમ સંસ્કાર 23 સપ્ટેમ્બરના રોજ આસામના ગુવાહાટી નજીક કામરકુચી ગામમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.

  • Follow us on: