લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલ અવારનવાર પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં તે પોતાના એક ચોંકાવનારા ઇન્ટરવ્યુને લીધે હેડલાઇન્સમાં આવી છે. કાજલે ખુલાસો કર્યો છે કે સોશિયલ મીડિયાના આગમન પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા 'પરફેક્ટ' દેખાવાનું દબાણ ખૂબ વધી ગયું છે. તેણે ગ્લેમર વર્લ્ડના કડક બ્યુટી સ્ટાન્ડર્ડ્સ (સૌંદર્યના ધોરણો) પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

"અમારા સમયે એરપોર્ટ લુકનું કોઈ પ્રેશર નહોતું..."

'ઝૂમ' ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કાજલ અગ્રવાલે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસો યાદ કર્યા હતા. તેણે જણાવ્યું કે, તે સમયે સોશિયલ મીડિયા ન હોવાને કારણે કલાકારોના દરેક લુક કે પબ્લિક અપીયરન્સની આટલી બારીકાઈથી તપાસ કે આલોચના નહોતી થતી. કાજલે આજના સમયની સરખામણી કરતા કહ્યું: "મને આજની અભિનેત્રીઓ માટે ખરાબ લાગે છે. અમારો સમય ઘણો અલગ હતો. એરપોર્ટ પર એવા કોઈ લુક નહોતા જેને જસ્ટિફાય કરવા પડે. તમે જેવા છો તેવા જ સહેલાઈથી એરપોર્ટ પર જઈ શકતા હતા. ભારેખમ આઉટફિટ્સ પહેરીને મુસાફરી કરવી સરળ નથી, ખાસ કરીને લાંબી ફ્લાઇટ્સમાં માણસ કમ્ફર્ટેબલ હોવો જોઈએ. સદભાગ્યે અમારે ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો નહોતો."

કાજલ અગ્રવાલ, મને ફિલ્મ મેકર્સે લુક બદલવા કહ્યું

પોતાના સંઘર્ષના દિવસો વિશે વાત કરતા કાજલે જણાવ્યું કે, કારકિર્દીની શરૂઆતમાં ફિલ્મ નિર્માતાઓ ઘણીવાર તેના લુક વિશે મંતવ્યો આપતા હતા. ક્યારેક તેને ફિલ્મો માટે વજન વધારવા તો ક્યારેક સ્લિમ થવાની સલાહ અપાતી હતી. દબાણ ત્યારે પણ હતું, પરંતુ આજના જેટલું ક્રૂર અને કઠોર નહોતું. કાજલે આશા વ્યક્ત કરી કે આજના યુગની અભિનેત્રીઓ આ અતિશય પ્રેશર વચ્ચે પણ મજબૂત રહેશે અને પોતાની આગવી ઓળખ જાળવી રાખશે.

સફળતાની ચાવી: યોગ્ય સમયે "ના" કહેતા શીખો

કાજલ અગ્રવાલે યુવા કલાકારોને એક મહત્વની સલાહ આપતા કહ્યું કે, તેણે પોતાની કારકિર્દીમાં ક્યારેય એવું કામ નથી કર્યું જેમાં તે કમ્ફર્ટેબલ ન હોય. ફિલ્મ મેળવવા માટે દરેક વાતમાં "હા" કહેવું જરૂરી નથી, પરંતુ યોગ્ય સમયે મક્કમતાથી "ના" કેવી રીતે કહેવું તે જાણવું ખૂબ જ જરૂરી છે.

કાજલ અગ્રવાલના અપકમિંગ પ્રોજેક્ટ્સ

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં જ ફિલ્મ 'ધ ઈન્ડિયા સ્ટોરી' (The India Story) માં જોવા મળશે. ચેતન ડીકેના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં તેની સાથે શ્રેયસ તલપડે મુખ્ય ભૂમિકામાં છે અને તે ૨૪ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત, કાજલ પાસે મોસ્ટ અવેટેડ મેગા બજેટ ફિલ્મ 'રામાયણ'માં પણ છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો : Mumbaiમાં ધોધમાર વરસાદમાં અમિતાભ બચ્ચન અને અજય દેવગનના લકઝુરિયસ બંગલામાં ભરાયા પાણી, જુઓ દ્રશ્યો