કંગના રનૌતની આગામી ફિલ્મ 'ક્વીન ફોરએવર'ની રિલીઝ પર રોક લગાવવા માટે ફેન્ટમ સ્ટુડિયોઝે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતાં ફિલ્મની રિલીઝ પર વચગાળાની રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સંદીપ માર્નેની એકલ ન્યાયાધીશની બેન્ચે કરી હતી. કંગનાની 2014માં આવેલી હિટ ફિલ્મ 'ક્વીન'ના સહ-નિર્માતા ફેન્ટમ સ્ટુડિયોઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આ કેસમાં રાહત મળી નથી.

શું છે સમગ્ર મામલો?

2014માં આવેલી કંગના રનૌતની ફિલ્મ 'ક્વીન'નું નિર્માણ ફેન્ટમ સ્ટુડિયોઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે કર્યું હતું. તાજેતરમાં કંગનાએ જિયોસ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને 'ક્વીન ફોરએવર' પર કામ શરૂ કર્યું હતું. ત્યારથી આ વિવાદ શરૂ થયો હતો.

ફેન્ટમ સ્ટુડિયોઝનો દાવો હતો કે 'ક્વીન' સાથે જોડાયેલા તમામ બૌદ્ધિક સંપદા અધિકારોમાં તેનો પણ 50% હિસ્સો છે.

ફેન્ટમ સ્ટુડિયોઝે આરોપ લગાવ્યો હતો કે તેની મંજૂરી વિના કંગના રનૌત અને જિયોસ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે 'ક્વીન ફોરએવર'ની જાહેરાત કરી અને તેના પર કામ શરૂ કરી દીધું હતું. સ્ટુડિયોઝે એવો પણ દાવો કર્યો હતો કે તેણે 'ક્વીન'ની સિક્વલ બનાવવા, તેના આધારે નવી ફિલ્મ તૈયાર કરવા કે તેની સાથે જોડાયેલા અન્ય કોઈ કામ માટે ક્યારેય સંમતિ આપી નહોતી.

જોકે, જિયોસ્ટારે અગાઉ એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે 'ક્વીન ફોરએવર', 'ક્વીન'ની સિક્વલ નથી. તેના બદલે આ એક નવી અને અલગ વાર્તા છે, જેને મૂળ ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી.

મામલો કોર્ટ સુધી કેવી રીતે પહોંચ્યો?

એપ્રિલ 2026માં જિયોસ્ટારને ફેન્ટમ સ્ટુડિયોઝ તરફથી કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી હતી. ત્યારબાદ ફેન્ટમ સ્ટુડિયોઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે જિયોસ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે ₹250 કરોડનો દાવો માંડ્યો હતો. સાથે જ 'ક્વીન ફોરએવર'ની રિલીઝ પર રોક લગાવવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જોકે, હવે હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર વચગાળાની રોક લગાવવાનો ઇનકાર કરતાં ફેન્ટમ સ્ટુડિયોઝને રાહત મળી નથી.

2027માં રિલીઝ થઈ શકે છે 'ક્વીન ફોરએવર'

હાઈકોર્ટના આ નિર્ણય બાદ 'ક્વીન ફોરએવર'ની રિલીઝનો રસ્તો હાલ પૂરતો સાફ થયો છે. ફિલ્મ 2027માં રિલીઝ થઈ શકે છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.