કંગના રનૌતે તેના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે, જેમાંથી ક્વીન એક છે. વર્ષ 2014માં આવેલી આ ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી શાનદાર રિવ્યુ મળ્યા હતા અને તે બોક્સ ઓફિસ પર 'સ્લીપર હિટ' સાબિત થઈ હતી. ક્વીન ફિલ્મે કંગના રનૌતના કરિયરને નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધું હતું અને તેને એક એવી અભિનેત્રી તરીકે સ્થાપિત કરી હતી જે પોતાના દમ પર આખી ફિલ્મ સંભાળી શકે છે. મામૂલી બજેટમાં બનેલી આ ફિલ્મ મેકર્સ માટે જંગી નફાનો સોદો સાબિત થઈ હતી.
કેટલું હતું 'ક્વીન'નું બજેટ (Queen Budget)
વિકાસ બહલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કંગના રનૌતે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે રાજકુમાર રાવ અને લીઝા હેડન સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માત્ર 20 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી હતી.
ક્વીનનું બોક્સ ઓફિસ કલેક્શન
ક્વીનની શરૂઆત ધીમી રહી હતી અને તેણે માત્ર 1.75 કરોડના કલેક્શન સાથે ખાતું ખોલાવ્યું હતું. જોકે, લોકોના સારા પ્રતિસાદ (વર્ડ ઓફ માઉથ)ને કારણે ફિલ્મે જોરદાર કમાણી કરી હતી. બોલીવુડ હંગામાના આંકડા મુજબ, ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 18.80 કરોડ અને બીજા સપ્તાહમાં 39 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું. ભારતનું નેટ લાઈફટાઈમ કલેક્શન 61 કરોડ રૂપિયા અને વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 95.05 કરોડ રૂપિયા રહ્યું હતું.

કંગના રનૌતની આ ફિલ્મે મેકર્સને માલામાલ કરી દીધા હતા. 20 કરોડના બજેટ સામે વિશ્વભરમાં 95.04 કરોડની કમાણી કરીને ફિલ્મે 375 ટકા નફો મેળવ્યો હતો.
શું છે ક્વીનની સ્ટોરી?
ફિલ્મમાં કંગનાએ 'રાણી'નું પાત્ર ભજવ્યું છે, જેનો મંગેતર લગ્ન તોડી નાખ્યા પછી તે એકલી જ યુરોપમાં હનીમૂન પર નીકળી પડે છે. આ ફિલ્મ રાણીની પોતાની ઓળખ શોધવાની અને પોતાની જાતને મજબૂત બનાવવાની સફર દર્શાવે છે. પેરિસમાં એકલી ફરતી રાણી કેવી રીતે નવા મિત્રો બનાવે છે અને આત્મનિર્ભર બને છે, તે આ સ્ટોરીનું મુખ્ય કેન્દ્ર છે.
આ પણ વાંચો- કાચ તૂટ્યા, વિસ્ફોટ થયો અને ચારેબાજુ ચીસો! આતંકી હુમલાનો એ ભયાનક અનુભવ યાદ કરી ધ્રૂજી ઉઠ્યો Dhurandharનો એક્ટર!